Get The App

માલેગાંવ વિસ્ફોટના 4 આરોપી હાઈકોર્ટ દ્વારા નિર્દોષ જાહેર

Updated: Apr 23rd, 2026

GS TEAM

Google News
Google News
માલેગાંવ વિસ્ફોટના 4 આરોપી હાઈકોર્ટ દ્વારા નિર્દોષ જાહેર 1 - image

31  લોકોનાં મોત થયાં તે વિસ્ફોટો કરાવ્યા કોણે તે સવાલ

અગાઉ આ કેસમાં આરોપી બનાવાયેલા નવ  મુસ્લિમ આરોપીઓને પણ ખાસ કોર્ટ નિર્દોષ ઠેરવી ચૂકી છે

 મુંબઈ -  બોમ્બે હાઈકોર્ટે બુધવારે ૨૦૦૬ના માલેગાંવ બ્લાસ્ટ કેસમાં ચાર આરોપીઓને નિર્દોેષ જાહેર કરી તેમની સામે આરોપો ઘડવાના વિશેષ કોર્ટના આદેશને રદ કર્યો હતો.

મુખ્ય ન્યાયાધીશ શ્રી ચંદ્રશેખર અને ન્યાયાધીશ શ્યામ ચાંડકની બેન્ચે ચાર આરોપીઓ - રાજેન્દ્ર ચૌધરી, ધન સિંહ, મનોહર રામ સિંહ નરવરિયા અને લોકેશ શર્મા - દ્વારા ખાસ કોર્ટના આદેશને પડકારીને દાખલ કરવામાં આવેલી અપીલોને મંજૂરી આપી હતી.

આ ચારેય પર ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળ હત્યા અને ગુનાહિત કાવતરું ઘડવાના આરોપો અને કડક ગેરકાયદેસર (પ્રવૃત્તિઓ) નિવારણ અધિનિયમ (ેંયુપીએપીએ) હેઠળ પણ આરોપ મૂકવામાં આવ્યો હતો.

૮ સપ્ટેમ્બર, ૨૦૦૬ના રોજ, નાસિક જિલ્લાના માલેગાંવ શહેરમાં ચાર બોમ્બ વિસ્ફોટ થયા હતા, ત્રણ હમીદિયા મસ્જિદ અને બડા કબ્રસ્તાનના પરિસરમાં શુક્રવારની નમાજ પછી અને ચોથો મુશાવરત ચોકમાં થયો હતો, જેમાં ૩૧ લોકોના મોત થયા હતા અને ૩૧૨ લોકો ઘાયલ થયા હતા.

શરૃઆતમાં આ કેસની તપાસ કરનાર રાજ્ય આતંકવાદ વિરોધી ટુકડી (એટીએસ)એ આ કેસના સંદર્ભમાં નવ મુસ્લિમ પુરુષોની ધરપકડ કરી હતી. જોકે, બાદમાં એક ખાસ અદાલતે આ તમામને મુક્ત કરી દીધા હતા. એટીએસએ આ ચુકાદાને પડકાર્યો હતો પરંતુ હાઈકોર્ટમાં તે અરજી ૨૦૧૯થી વિચારાધીન છે. 

પાછળથી આ કેસની તપાસ પોતાના હાથમાં લેનાર રાષ્ટ્રીય તપાસ એજન્સી (એનઆઈએ)એ દાવો કર્યો કે વિસ્ફોટોમાં જમણેરી ઉગ્રવાદીઓનો હાથ હતો અને આ ચાર આરોપીઓની ધરપકડ કરી હતી.

ગયા વર્ષે સપ્ટેમ્બરમાં, એક વિશેષ કોર્ટે ચારેય આરોપીઓ સામે આરોપો ઘડયા હતા. ત્યારબાદ તેઓએ કોર્ટના આદેશ સામે હાઇકોર્ટમાં અરજી કરી હતી.

ચારેય આરોપીઓએ હાઇકોર્ટમાં કરેલી અરજીમાં દાવો કર્યો હતો કે એનઆઈએ તેમની વિરુદ્ધ કોઈ પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહી છે.