ગરમીનો પારો ૪૦.૦ ડિગ્રી કરતાં પણ વધુ
હવામાન વિભાગે ખાસ માર્ગદર્શિકા પણ જારી કરી
મુંબઇ - મુંબઇ સહિત આખા મહારાષ્ટ્રમાં ૨૦૨૬નો ઉનાળો અતિ ધગધગતો બની રહ્યો છે. ખાસ કરીને, મહારાષ્ટ્રના વિદર્ભમાં તો ગરમીનો પારો ૪૫.૦ ડિગ્રી સેલ્સિયસ જેટલો અત્યંત ઉકળતો નોંધાયો છે.સાથોસાથ કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડામાં પણ ગરમી અસહ્ય બની રહી હોવાના અખબારી અહેવાલો પ્રસિદ્ધ થઇ રહ્યા છે.
મહારાષ્ટ્રમાં આટલી અસહ્ય ગરમીને કારણે અત્યારસુધીમાં ૩૯ વ્યક્તિ બીમાર થઇ ગઇ હોવાના ચિંતાજનક સમાચાર મળે છે , જ્યારે એક બાળકનું મૃત્યુ થયું હોવાની શંકા વ્યક્ત થઇ રહી છે.
રાજ્યના લાતુર જિલ્લાના ઔસા તાલુકાના ગોંદ્રી ગામના નવ મહિનાના શિશુનું લૂ લાગવાથી મૃત્યુ થયું હોવાની શંકા વ્યક્ત થઇ રહી છે. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ઘેરી ચિંતા ફેલાઇ ગઇ છે. ગયા માર્ચમાં લૂ લાગવાથી સાત વ્યક્તિ બીમાર થઇ ગઇ હતી,જ્યારે એપ્રિલમાં અત્યારસુધીમાં ૩૨ વ્યક્તિને ગરમીજન્ય બીમારી થઇ હોવાના સમાચાર મળે છે. રાજ્યના અકોલા જિલ્લામાં સૌથી વધુ૧૧, નંદુરબાર -૬, રત્નાગિરિ- ૫, ગઢચિરોળી, જાલના, પાલઘર, રાયગઢ, સાતારામાં બે વ્યક્તિ બીમારી થઇ ગઇ છે. જ્યારે ગોંદિયા, જળગાંવ, નાશિક, પુણે, પરભણી, સોલાપુર, થાણે જિલ્લામાં એક વ્યક્તિને લૂ લાગવાથી તબીબી સારવાર આપવામાં આવી છે. જોકે હજી સુધી ગરમીને કારણે મુંબઇમાં કોઇ વ્યક્તિ બીમાર થઇ હોય તેની નોંધ નથી થઇ.
હવામાન વિભાગે પણ વધી રહેલી ગરમીને ધ્યાનમાં રાખીને ખાસ માર્ગદર્શિકા પણ જારી કરીને નાગરિકોને આરોગ્યની કાળજી રાખવા સલાહ આપી છે. શક્ય હોય ત્યાં સુધી વૃદ્ધજનોએ, બાળકો, સગર્ભા સ્ત્રીઓએ બપોરે ૧૨ થી સાંજના પાંચ સુધી ઘરમાં જ રહેવાની સલાહ આપવામાં આવી છે.


