Get The App

ટ્રેનોમાં વધતી ભીડથી મીરા રોડ વૈતરણા વચ્ચે 4 માસમાં 39નાં મોત

Updated: May 16th, 2025

GS TEAM


Google News
Google News
ટ્રેનોમાં વધતી ભીડથી મીરા રોડ વૈતરણા વચ્ચે 4 માસમાં 39નાં મોત 1 - image


મોટાભાગના લોકો ચાલુ ટ્રેને નીચે પટકાતાં મૃત્યુ  પામે છે

ટ્રેક પર આવી જવાના કારણે પણ મોતના કિસ્સાઃ ભીડના કારણે ચાલુ ટ્રેને મોબાઈલ સહિતની ચીજોની ચોરીના કેસો પણ વધ્યા

મુંબઈ -  વેસ્ટર્ન રેલવે પર ઉપનગરીય લોકલ ટ્રેનોમાં  વધતી જતી ભીડને કારણે અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા ચાર મહિનામાં મીરા રોડ અને વૈતરણા સ્ટેશન વચ્ચે થયેલા ટ્રેન અકસ્માતમાં ૩૯ લોકોના મુત્યુ થયા હોવાનું બહાર આવ્યું છે.

         મીરા રોડથી વૈતરણા સુધીનો ૩૧ કિલોમીટરનો રેલવે માર્ગ વસઈ રેલવે પોલીસ સ્ટેશનની હદમાં આવે છે. તેમાં સાત સ્ટેશનોનો સમાવેશ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ બધા સ્ટેશનો પરથી મુસાફરી કરતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે. ખાસ કરીને, વિરાર, નાલાસોપારા, વસઈ અને નાયગાંવ સ્ટેશનોથી મુંબઈ તરફ જનારા મુસાફરોની સંખ્યા વધુ છે. પ્રવાસીઓની વધતી સંખ્યાને કારણે, કેટલાક પ્રવાસી લોકલ ટ્રેનોમાંથી લટકીને પ્રવાસ કરી રહ્યા છે. તેથી, સંતુલન ગુમાવવાથી પડવાનું પ્રમાણ ખુબ હોય છે. જે સમયે લોકો વહેલા ટ્રેન પકડવા માટે રેલવે ટ્રેક પાર કરે છે, તે સમયે લોકલ ટ્રેન અને સ્પીડે એક્સપ્રેસ ટ્રેનો વચ્ચે અથડામણને કારણે અકસ્માતો થયા છે.

રેલવે પોલીસે જણાવ્યું હતું કે , જાન્યુઆરીથી એપ્રિલ સુધીના ચાર મહિનાના સમયગાળામાં મીરા રોડ અને વૈતરણા સ્ટેશનો વચ્ચે ૩૯ મુસાફરોના મોત થયા છે.મોટાભાગના મૃત્યુ એ ચાલતી ટ્રેનમાંથી પડી જવાથી અને અથડાવાથી થયા છે. તેમ જ કેટલીક જગ્યાએ, કચરો ઉપાડનારાઓ આ બોટલો એકઠી કરવા માટે ઉતાવળમાં પાટા પર આવે છે ત્યારે આ અકસ્માતો થતાં હોય છે.

 હવે મુસાફરો માટે એસી લોકલ ટ્રેનો શરૃ કરવામાં આવી છે. તેમના રાઉન્ડ હવે વિરારથી ચર્ચગેટ સુધીના છે. ક્યારેક, આવી લોકલ ટ્રેનો એક જ સમયે સતત દોડતી હોવાથી, અન્ય લોકલ ટ્રેનો સમયસર પહોંચતી નથી. તેના કારણે ે પ્લેટફોર્મ પર ભીડ ધીમે ધીમે વધતી જાય છે, જેના કારણે ટ્રેનમાં મુસાફરી કરવી  મુશ્કેલ  બની જાય છે ત્યારે આવી ઘટનાઓ બને છે. આ વિશે વસઈ રેલવે પોલીસ મથકના સિનિયર પોલીસ ઈસ્પેક્ટર ભગવાન ડાંગેએ જણાવ્યું હતું કે 'વસઈ રેલવે પોલીસ મથકની હદમાં અકસ્માતો થઈ રહ્યા છે. રેલવે અકસ્માતો ઘટાડવા માટે મુસાફરોમાં જાગૃતિ લાવવા જેવી પહેલો અમલમાં મૂકવામાં આવી રહી છે. આ ઉપરાંત, સુરક્ષા હેતુ માટે પેટ્રોલિંગ પણ ચાલુ રાખવામાં આવી રહ્યું છે.

પ્રવાસીઓની પણ બેદરકારી..

રેલવે પર અકસ્માતો નિયત્રંણ કરવા માટે, પ્રવાસીઓ માટે રાહદારી પુલ, એસ્કેલેટર, સલામતી જાળી અને સબ-વે જેવી વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ, કેટલાક મુસાફરો રેલવે ટ્રેક ક્રોસ કરવાનો પ્રયાસ કરે છે. કેટલાક લોકો સીધા જાળી પર કૂદી પડે છે, અને ચાલતી ટ્રેન પકડવા જેવી બેદરકારીને કારણે અકસ્માતો થઈ રહ્યા છે. રેલવે પોલીસે મુસાફરોને પોતાના જીવનું જોખમ ન મુકવા અને મુસાફરી ન કરવા અપીલ કરી છે.

ભીડનો લાભ લઈને મોબાઇલ ચોરી..

વધતી ભીડને કારણે  ે ટ્રેનમાં મુસાફરી કરતા લોકોના ખિસ્સામાંથી મોબાઈલ ફોન છીનવાઈ જવાના બનાવો પ્રકાશમાં આવી રહ્યા છે. અત્યાર સુધીમાં ૧૬૦ ચોરાયેલા મોબાઇલ ફોનની ફરિયાદ પોલીસ મથકમાં કરવામાં આવી છે.


Tags :