થોડી મિનિટોમાં 37 ગાય તણાઈ જતાં મહિને 3.5 લાખ કમાતો પશુપાલક બરબાદ

મરાઠાવાડામાં પૂર પરિસ્થિતિએ સર્જી તારાજી
એક-એક ગાયની કિંમત સવા લાખ હતીઃ નિયમો પ્રમાણે ફક્ત ૩ જ ગાયનું અને તે પમ ૩૭ હજાર જ વળતર મળશે
મુંબઇ - ધારાશિવ જિલ્લામાં ભારે વરસાદ અને પૂરપરિસ્થિતિથી હજારો પશુપાલકોને ઘણું નુકસાન થયું છે. ૨૩મી સપ્ટેમ્બરની રાતે બાણગંગા નદીના ધસમસતા પાણી ભૂમ તાલુકાના કેટલાક ગામોમાં ઘૂસી જતા દૂધ પર ગુજારો કરતા ખેડૂતોને નુકસાન થયું છે.
એક દૂધ વ્યવસાયિક ખેડૂત તો રાતોરાત લખપતિમાંથી રસ્તા પર આવી ગયો છે. તેણે પોતાનું ઘર, અને આજીવિકા ગુમાવી છે. ભૂમ તાલુકાના તલેગાંવ પિંપલગાંવ ગામમાં રહેતા શ્રીરામ દાતખિલેના અને તેના પરિવારના આઠ સભ્યો ડેરીનો વ્યવસાય કરતા હતા. તેમને દૂધ વેચીને મહિને રૃા. ૩.૫ લાખની આવક થતી હતી. તે પછી ૨૩મી સપ્ટેમ્બરની રાતે શ્રીરામ અને તેના પરિવાર મિનિટોમાં બરબાર થઇ ગયા હતા. તેમની ૩૭ ગાય અને ૨૦ બકરી તણાઇ ગઇ હતી.
પશુધનને બચાવવા તેમને ફક્ત ૭થી ૮ મિનિટનો સમય મળ્યો હતો. તેઓ ફક્ત બે ગાયને બચાવી શક્યા હતા. તેમને રૃા. ૬૦ લાખનું નુકસાન થયું છે.
દાતખિલે પરિવારે શરૃઆતમાં બે-ત્રણ ગાયથી પશુપાલનની શરૃઆત કરી હતી અને વર્ષો સુધીની મહેનત પછી ૪૦ ગાય અને ૨૦ બકરીના દૂધ પર જીવન નિર્વાહ કરતા હતા. એક ગાયની કિંમત સવા લાખ રૃપિયા હોય છે. પશુઓ રાખવાનો તેમનો શેડ પણ પૂરમાં નષ્ટ થઇ ગયો છે.
તેમના પરિવારને દૂધ વેચીને પ્રતિમાસ રૃા. ૩.૫ લાખની આવક થતી હતી.જેમાંથી રૃા. ૧.૪૦ લાખ (૪૦ ટકા) જેટલો નફો મળતો હતો. તેમની જમરૃખની વાડીને પણ ભારે નુકસાન થયું છે. હવે તેમની પાસે ઘર કે પશુધન નથી અને મિત્રના ખેતરમાં એક શેડમાં રહેવા ગયા છે.
સરકારી નિયમોની જડતા પણ તેમને વધુ તણાવ પહોંચાડી રહી છે. પ્રતિ પશુ ફક્ત રૃા. ૩૭,૫૦૦ મળી શકશે અને ફક્ત ત્રણ ગાયનું વળતર મળશે તેવું એમડીઆરએફના નિયમો કહે છે.
દરમિયાન ખેડૂતોની મદદ માટે કાર્યરત એક સમાજસેવી સંસ્થાએ આપેલી માહિતી અનુસાર તેમની હેલ્પલાઇન શિવાર પર સતત ખેડૂતો ફોન અથવા સંદેશ આપી રહ્યા છે. હેલ્પલાઇનના સ્થાપકે વિનાયક હેગાનાએ કહ્યું કે ગત સપ્તાહમાં હેલ્પલાઇન શરૃ કરાઇ હતી અને પહેલા જ દિવસે ૨૭૪ ફોન આવ્યા હતા જેમાંથી ૮૩ ખેડૂતો જીવનથી હતાશ થઇ ગયા હતા. લાતૂરના એક ખેડૂતની ૫.૫ એકર જમીન પર પાણી ફરી વળ્યા હતા અને પાકને ભારે નુકસાન થયું હતું. ખાતર ભરેલી ગુણીઓ પણ પાણીમાં ભીની થઇ જતા ખાતર નકામું થઇ પડયું હતું.
આ ખેડૂતના પિતાએ એક વ્યાજે નાણાં ધીરતા વેપારી પાસેથી રૃા. ૨૦ લાખ લીધા હતા. તે સહિત ખેડૂત પાસેથી રૃા. ૪૦ લાખની માગણી કરી રહ્યા છે. સરકારે કૃષિ લોન તરત જ માફ કરી દેવી જોઇએ તેવી તેણે માંગણી કરી હતી. તે આપઘાત કરવાનું વિચારી રહ્યો છે તેવું તેણે હેલ્પલાઇનને કહ્યું હતું.
ઓગસ્ટ મહિનામાં મરાઠવાડાના જ નાંદેડમાં પણ પૂરના પાણીએ મોટી તારાજી સર્જી હતી. એક ખેડૂતે ૪૦ ભેંસ અને ૧૫ ગાય ગુમાવી હતી અને તેનો દૂધ વેચવાનો વ્યવસાય ઠપ થઇ ગયો હતો. તે પણ વળતર ઓછું હોવાની ફરિયાદ કરી રહ્યો છે અને તે પણ આપઘાત કરવાનું વિચારી રહ્યો છે તેવું હેગાનાથે કહ્યું હતું.
વીમા કંપનીઓ લમ્પી સ્કીન ડીસીઝના કારણે ગાયોનો વીમો લેતા નથી તેવું પણ તેને ખેડૂતોએ તેમને કહ્યું હતું તેવું હેગાનાએ કહ્યું હતું.








