- પનવેલ પાસે બિનવારસી કન્ટેનરમાંથી ૭૩ કિલો હિરોઈનનો જથ્થો મળ્યો હતો
મુંબઈ
મુંબઈ નજીકના પનવેલમાંથી ગત મહિને ૩૬૨ કરોડ રૂપિયાની કિંમતનું હેરોઈન મળવાના કેસમાં પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના નેટવર્કની જાણ થયા બાદ આ મામલાની તપાસ એન્ટી ટેરરિઝમ સ્કવોડ (એટીએસ)ને સોંપવામાં આવી છે.
નવી મુંબઈમાં ન્હાવાશેવા બંદરે આ હેરોઈન આયાત કરવામાં આવ્યું હતું. પનવેલ પાસે આજિવલી ગામે એક લોજિસ્ટિક કંપનીમાં કન્ટેનરમાં રાખવામાં આવ્યું હતું. જોકે બાદમાં બિનવારસી છોડી દેવાયેલા કન્ટેનરમાંથી બાતમીના આધારે નવી મુંબઈ અને પંજાબ પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી ૧૬૮ પેકેટમાંથી ૭૩ કિલો હેરોઈનનો જથ્થો જપ્ત કર્યો હતો.
યુએઈ (સંયુક્ત આરબ અમિરાત)થી હેરોઈનની દાણચોરી કરવામાં આવી હોવાની માહિતી ઈન્ટેલિજન્સ પાસેથી મળી હતી. દિલ્હીના બિઝનેસમેને ટાઈલ્સની આયાત કરાવી હતી. ટાઈલ્સ ભરેલા કન્ટેનરના દરવાજામાં હેરોઈન સંતાડવામાં આવ્યું હતું. દરવાજાની વેલ્ડીંગ કરી કલર કરવામાં આવ્યો હતો.
કન્ટેનરમાં ડ્રગ્સ અફઘાનિસ્તાનમાં લોડ કરવામાં આવ્યું હતું. અમે આ કેસમાં એક શંકાસ્પદ આરોપીની ઓળખ કરી છે. તે મૂળ પાકિસ્તાનનો છે. બંને દેશોની કડીઓને લીધે આ કેસ હવે એટીએસને તપાસ માટે ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. એમ તપાસ અધિકારીએ જણાવ્યું હતું.
દરમિયાન અગાઉ આ કેસની તપાસ કરતી નવી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને જાણળા મળ્યું હતું કે 'આ મામલામાં પંજાબમાં ત્રણ આરોપી ફરાર છે. તેમની શોધખોળ કરવામાં આવી છે. અત્યાર સુધી બે જણની ધરપકડ થઈ છે. આરોપીઓમાં દિલ્હીના હરસિમરન સેઠી (ઉં.વ.૩૭) જેણે માલ મંગાવ્યો હતો અને મુન્દ્રાના તેના સાથીદાર ક્લિયરિંગ એજન્ટ મહેન્દ્રસિંહ રાઠોડ (ઉં.વ.૪૦)નો સમાવેશ છે.
પોલીસના જણાવ્યા મુજબ 'આરોપી હરસિમરને દાવો કર્યો હતો કે કન્ટેનરમાં હેરોઈન સંતાડવામાં આવ્યું હતું. એની તેને જાણ નહોતી. પણ આ ગુનામાં તેની સંડોવણીના પોલીસ પાસે મજબૂત પુરાવા છે. આરોપી સેઠીના દસ્તાવેજોનો ઉપયોગ કરીને આ કન્ટેનર મંગાવવામાં આવ્યું હતું.
'અમને હજી સુધી આ કેસના તમામ દસ્તાવેજો અને તપાસનો અહેવાલ મળ્યા નથી. નવી મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને મળેલા પુરાવાના આધારે પણ કેસની તપાસ કરવામાં આવશે, એમ એટીએસના સૂત્રોએ જણાવ્યું હતું.
આ નશીલા પદાર્થનો જથ્થો મળી આવ્યા બાદ રાજ્યભરમાં એટીએસના અધિકારીને સતર્ક રહેવાનું જણાવવામાં આવ્યું છે.


