વારંવાર તક અપાયા છતાં માપદંડો પૂર્ણ ન કર્યાં
30 એપ્રિલ સુધીમાં સેલ્ફ-ફાઈનાન્સનો દરજ્જો લેવાની આખરી તક, અન્યથા માન્યતા રદ્દ
મુંબઈ - મહારાષ્ટ્રના શિક્ષણ ક્ષેત્રમાં મહત્વપૂર્ણ નિર્ણય લેતાં રાજ્ય સરકારે ૩૨૪ માધ્યમિક શાળાઓને પગાર અનુદાન માટે અયોગ્ય જાહેર કરી છે. આ શાળાઓ શરૃઆતથી જ 'કાયમ બિન-અનુદાનિત' ધોરણે ચલાવવામાં આવી રહી હતી. સાથે સાથે ૪૧૨ વિભાગો (ટુકડીઓ)ને પણ અનુદાનથી વંચિત રાખવામાં આવ્યા છે. ખાસ કરીને મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢ જેવા મુંબઈ મહાનગર વિસ્તારની શાળાઓની સંખ્યા સૌથી વધુ હોવાનું સામે આવ્યું છે.
શાળા શિક્ષણ વિભાગે ૨ એપ્રિલે આ અંગેનો સરકારી નિર્ણય જાહેર કર્યો હતો. છેલ્લા અનેક વર્ષોથી આ શાળાઓને અનુદાન મેળવવા માટે વિવિધ તબક્કાઓમાં મૂલ્યાંકન કરવાની તક આપવામાં આવી હતી. ૨૦૧૧થી સુધારિત નિયમો હેઠળ પાત્ર શાળાઓને તબક્કાવાર અનુદાન આપવાની નીતિ અપનાવવામાં આવી હતી. પરંતુ વારંવાર તક આપ્યા છતાં સંબંધિત શાળાઓ જરૃરી માપદંડ પૂર્ણ કરવામાં નિષ્ફળ રહી, તેથી અંતે તેમને કાયમી અનુદાન માટે અપાત્ર જાહેર કરવામાં આવી છે.
આ નિર્ણય મુજબ, હવે આ શાળાઓ માટે અનુદાન મેળવવાનો માર્ગ સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. જોકે, સરકારે ૩૦ એપ્રિલ ૨૦૨૬ સુધી સેલ્ફફાઈનાન્સ્ડ ધોરણે માન્યતા મેળવવાની અંતિમ તક આપી છે. આ સમયમર્યાદામાં અરજી ન કરાય તો શાળાની માન્યતા રદ કરવાની કાર્યવાહી થઈ શકે છે. વિદ્યાર્થીઓના અભ્યાસમાં વિક્ષેપ ન થાય તે માટે તેમને અન્ય શાળાઓમાં સ્થાનાંતરિત કરવાની જવાબદારી શિક્ષણ અધિકારીઓને સોંપવામાં આવી છે.


