Mumbai

લોનાવાલામાં 32 વર્ષીય ભૂમિ સોનીનું અચાનક નિધન, પરિવાર આઘાતમાં

By GS TEAM
16 Nov 20252 mins read
લોનાવાલામાં 32 વર્ષીય ભૂમિ સોનીનું અચાનક નિધન, પરિવાર આઘાતમાં

સ્નેહમિલનની વચ્ચે વિયોગ, કવિઓ સમાજમાં શોક 

જૈન સમાજના મહાતપ વર્ષીતપની કઠોર તપસ્યા કરી રહી હતી અને શનિવારે તેમનો ઉપવાસનો દિવસ હતો

મુંબઈ -  મુંબઈના ભાડૂંપ વિસ્તારમાં રહેતા ધામક અને હસતા-ખેલતા પરિવારની ૩૨ વર્ષની ભૂમિ સોનીનું લોનાવાલામાં પરિવારજનો સાથેના સ્નેહમિલન દરમ્યાન શનિવારે અચાનક થયેલા હાર્ટ એટેકને કારણે દુઃખદ અવસાન થયું. આનંદભર્યા મિલનનો માહોલ પળમાં શોકમાં બદલાઈ ગયો અને પરિવારજનોની આંખો સામે જ ભૂમિએ અંતિમ શ્વાસ લીધા હતા.

 ભૂમિ સોની, મૂળ કચ્છના મુંદ્રા તાલુકાના લૂણી ગામની, છેલ્લા ઘણા વર્ષોેથી પોતાના પરિવાર સાથે ભાડૂંપમાં રહેતી હતી. પરિવારના સભ્યએ જણાવ્યું કે આખો પરિવાર લોનાવાલામાં સ્નેહમિલન પ્રસંગે એકત્ર થયો હતો. આખા કુટુંબમાં આનંદ અને હાસ્યનો માહોલ હતો. ભૂમિ, જે દીપકભાઈ સોનીની ત્રણ દીકરીઓમાંની એક હતી, તે જૈન સમાજના મહાતપ વર્ષીતપની કઠોર તપસ્યા કરી રહી હતી અને શનિવારે તેમનો ઉપવાસનો દિવસ હતો.

  સવારે લગભગ ૯.૩૦ વાગ્યે પરિવાર સાથે વાતચીત કરી રહી હતી, ત્યારે અચાનક ભૂમિને ચક્કર આવી અને તે ધરાશાયી થઈ પડી હતી. પરિવારજનોએ તરત જ નજીકની હોસ્પિટલમાં દોડી ગયા, પરંતુ ફરજ પરના ડોકટરે તેમને મૃત જાહેર કરી દીધા હતા. પોસ્ટમોર્ટમના પ્રાથમિક અહેવાલ મુજબ ભૂમિને હાર્ટ એટેક આવ્યો હતો. મોટાભાગના પરિવારજનો લોનાવાલામાં જ હોવાથી તેમની અંતિમવિધિ પણ ત્યાં જ કરવાની સંમતિ આપવામાં આવી છે.

 ભૂમિ માત્ર ધામક નહોતી, પરંતુ અત્યંત પવિત્ર હૃદય ધરાવતી, શાંત સ્વભાવની અને દીક્ષાભાવના સાથે જીવન જીવતી યુવતી હતી. અગાઉ પણ તેમણે વર્ષીતપ જેવી કઠોર તપસ્યા પૂર્ણ કરી હતી. કચ્છ-ગુંદાલાના પુજ્ય વિમળાબાઈ મહાસતીજી અને લૂણીની વૈશાલીબાઈ મહાસતીજીના સાનિધ્યમાં તેમનો ધામક અભ્યાસ થયો હતો, જ્યારે હાલમાં તેઓ દિનેશમૂની મહારાજ સાહેબના માર્ગદર્શન હેઠળ બીજીવાર વર્ષીતપ કરી રહી હતી.

આ ઘટના સમગ્ર કચ્છી વિશા ઓસવાલ સમાજને હચમચાવી ગઇ છે. જે સ્નેહમિલન ખુશીઓ વહેંચવા માટે હતું, એ સ્થળે હવે રડતાનો રણકાર ગુંજે છે. પરિવારજનો હજુ પણ વિશ્વાસ કરી શકતા નથી કે હાસ્યથી ભરેલી ભૂમિ પળમાં સહુને વિદાય કહી ગઈ.