બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું 300 કિમીનું વાયાડક્ટ્સ કામ પુરૂ થયું, સુરતમાં 40 મીટર લાંબો ગર્ડર મૂકાયો
Ahmedabad Mumbai Bullet Train Project | નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ-એનએચઆરસીએલ-દ્વારા મુંબઇ-અમદાવાદ હાઇ સ્પીડ રેલ કોરિડોરના સૌથી મહત્વના 300 કિમીના વાયાડક્ટ્સનું કામ પુરૂ થયું હોવાની મંગળવારે જાહેરાત કરવામાં આવી હતી. સુરતમાં 40 મીટર લાંબો ગર્ડર મુકવાની કામગીરી પુરી થતાં જ આ કામ પુરૂ થયું હતું. 508 કિમીના બુલેટ ટ્રેન પ્રોજેક્ટના વાયાડક્ટસ ઉપરાંત 383 કિમીનું પિયર વર્ક, 401 કિમીનું ફાઉન્ડેશનનું કામ અને 326 કિમીનું ગર્ડર કાસ્ટિંગનું કામ પણ પુરૂ થયું છે.
એનએચઆરસીએલ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે બુલેટ ટ્રેનના અવાજના પ્રદૂષણને ટાળવા આ વાયાડક્ટસની સમાંતર ત્રણ લાખ નોઇઝ બેરિયર પણ બેસાડવામાં આવ્યા છે. વાયાડક્ટસ પર પાટા બેસાડવાનું કામ પણ શરૂ કરવામાં આવ્યું છે. ગુજરાતમાં આશરે 157 કિમીના રીઇન્સફોર્સ્ડ કોન્ક્રિટના ટ્રેક બેડનું બાંધકામ પણ પુર્ણ કરવામાં આવ્યું છે.
એનએચઆરસીએલના જણાવ્યા અનુસાર 300 કિમીના સુપરસ્ટ્રકચરમાંથી 257.4 કિમીનું બાંધકામ ફુલસ્પાન લોન્ચિંગ મેથડ-એફએસએલએમ- દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં નદી પરના 14 પુલોનો પણ સમાવેશ થાય છે. એફએસએલએમ ટેકનોલોજીને કારણે ફુલ સ્પાન ગર્ડર ઉભાં કરવાનું કામ દસ ગણી ઝડપે થઇ રહ્યું છે. દરેક ફુલ સ્પાન બોક્સ ગર્ડરનું વજન 970 મેટ્રિક ટન હોય છે. જ્યાં ફુલ સ્પાન ગર્ડર બેસાડવાનું શક્ય ન હોય ત્યાં સેગમેન્ટલ ગર્ડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના બાંધકામને સહાય કરવા કોરિડોરની સમાંતર જ 27 કાસ્ટિંગ યાર્ડ બનાવવામાં આવ્યા છે. દેશમાં સાત વર્કશોપમાં સ્ટીલના બ્રિજનું ફેબ્રિકેશનનું કામ થાય છે. આ સાત વર્કશોપમાંથી ત્રણ ગુજરાતમાં અને ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળમાં એક એક વર્કશોપ આવેલી છે.
આ ઉપરાંત થીમેટિક બુલેટ ટ્રેન સ્ટેશન પણ બનાવવાનું કામ ચાલુ છે. આ સ્ટેશનોને રેલવે અને માર્ગ પરિવહન વ્યવસ્થા સાથે સાંકળવામાં આવશે જેથી પ્રવાસીઓ વિના અવરોધે તેમના ગંતવ્યસ્થાને પહોંચી શકે. આ સ્ટેશનો પર પ્રવાસીઓ માટે અત્યાધુનિક સુવિધાઓ મોજૂદ હશે.
આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો ખર્ચ 1.08 લાખ કરોડ રૂપિયા અંદાજવામાં આવ્યો છે. શેર હોલ્ડિંગ પેટર્ન અનુસાર ભારત સરકારે એનએચઆરસીએલને 10000 કરોડ રૂપિયા ચૂકવવાના રહેશે જ્યારે બે રાજ્યો ગુજરાત અને મહારાષ્ટ્રે પાંચ હજાર કરોડ રૂપિયા ચૂકવવાના રહેશે. બાકીની રકમ જાપાન દ્વારા ૦.૧ ટકાના વ્યાજે લોન દ્વારા પુરી પાડવામાં આવશે.