Get The App

નાસિકમાં 300 કરોડનું જમીન કૌભાંડ, 22 બિલ્ડરો સહિત 37 સામે ગુનો દાખલ, પોલીસને પણ છેતરી

Updated: Jun 14th, 2025

GS TEAM

Google News
Google News
નાસિકમાં 300 કરોડનું જમીન કૌભાંડ, 22 બિલ્ડરો સહિત 37 સામે ગુનો દાખલ, પોલીસને પણ છેતરી 1 - image

Mumbai Nasik Scam News |  નાસિક શહેર પોલીસે બુધવારે અહીંની એક સંસ્થાના ટ્રસ્ટીઓ, 22 બિલ્ડરો અને આર્કિટેક્ટ સહિત 37 વ્યક્તિઓ સામે છેતરપિંડી, બનાવટ અને ફાયદો મેળવવા ખોટા ઈરાદાથી છ એકર જમીનનો દુરુપયોગ કરવાના આરોપસર એફઆઈઆર નોંધી છે.

પોલીસે જણાવ્યું હતું કે આ છેતરપિંડીને લીધે સરકારને 300 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચ્યું હોવાની શંકા છે. આશ્ચર્યજનક રીતે આ જમીન પર નાસિક શહેર પોલીસ કમિશનરની જૂની ઓફિસ લાંબા સમય સુધી કાર્યરત હતી અને આરોપીઓએ નકલી લીઝ કરાર કરીને પોલીસ વિભાગ સાથે પણ છેતરપિંડી કરી હતી.

આ સંદર્ભે પોલીસના જણાવ્યા અનુસાર 1990થી પોલીસ વિભાગ જે જમીન પર લીઝ પર છે તે નાસિક ડાયોસેસન કાઉન્સિલ (એનડીસી) નામની સંસ્થા દ્વારા વેચી દેવામાં આવી હતી. જો કે હવે એવું બહાર આવ્યું હતું કે મૂળ જમીન નાસિક ડાયોસેસન ટ્રસ્ટ એસોસિએશન (એનડીટીએ)ની છે અને એનડીસી એ તેના નામનો દુરુપયોગ કરી તેને કોઈ માલિક હક્કો વિના ખોટા ફાયદો માટે ખોટી રીતે લીઝ પર આપી અથવા વેચી દીધી હતી.

નાસિક પોલીસના જણાવ્યા અનુસાર, નાસિક શહેર પોલીસ દળની સ્થાપના થઈ ત્યારથી જ જૂની પોલીસ કમિશનર ઓફિસ આ જમીન પર કાર્યરત હતી. તેને 2014માં ગંગાપુર રોડ વિસ્તારમાં ખસેડવામાં આવી હતી. 

હાલમાં આ જગ્યા પર ઝોન-1ના ડીસીપી, ટ્રાફિક વિભાગ, એક ખાનગી શાળા અને અન્ય કચેરીઓ અહીંથી છ એકરની જમીન પર કાર્યરત છે. નાસિક ડાયેસેસન કાઉન્સિલના ટ્રસ્ટીઓ દ્વારા જમીનના વેચાણની તપાસ કરતી વખતે 16 ડિસેમ્બર 2024થી આ જમીનને મુદ્દે છેતરપિંડી અંગે ડીસીપી કાર્યાલય દ્વારા તપાસ ચાલી રહી હતી. પોલીસે બુધવારે સરકારવાડા પોલીસ સ્ટેશનમાં ટ્રસ્ટીઓ, ખરીદદારો અને અન્ય લોકો સિહત 37થી વધુ શંકાસ્પદ વ્યક્તિઓ સામે સુઓ-મોટો એફઆઈઆર નોંધી હતી.

મૂળ જમીન નાસિક ડાયેસસન ટ્રસ્ટ એસોસિએશન (એનડીટીએ)ની છે. જો કે અમૂક લોકોએ નાસિક ડાયોસેસન કાઉન્સિલ (એનડીસી)ના નામે સંસ્થાની નોંધણી કરી. આ જમીનને એનડીસીની માલિકીની દર્શાવી હતી. પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે તેઓએ (આરોપી લોકોએ) ચેરિટી કમિશનરની ઓફિસમાં જાણી જોઈને ખોટી માહિતી રજૂ કરી હતી. આ દ્વારા પ્લેટ વેચવાનો ઓર્ડર મેળવ્યો અને ખોટો ફાયદો મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

ઉપરોક્ત મિલકત પોલીસ કમિશનર ઓફિસ-નાસિકના કબજામાં હોવા છતા આરોપીઓએ સરકાર, મહેસૂલ, ગૃહ, શહેરી વિકાસ, કાયદો અને ન્યાય વિભાગને ગેરમાર્ગે દોરીને છેતરપિંડી કરી હતી. આ બાબતે એફઆઈઆર થયા બાદ પોલીસ વધુ તપાસ ચલાવી રહી છે.