માંજરી રેલવે સ્ટેશન નજીકની ઘટના
પાંચ મિત્રોનું ટોળું સ્ટેશને આવ્યું હતું, બચી ગયેલા બે જણ ઘટના સ્થળેથી ફરાર થયા
મુંબઈ - પુણેના માંજરી રેલવે સ્ટેશન નજીક પુણે-દૌંડ એક્સપ્રેસની અડફેટે આવી જનારા ત્રણ યુવકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. ત્રણેય યુવકો હડપસરના રહેવાસી હતા. આ ઘટના રવિવારે રાતે આઠ વાગ્યાના સુમારે બની હતી.
હડપસર પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર રવિવારે રાતે આઠ વાગ્યાની આસપાસ પાંચ મિત્રોનું ટોળું માંજરી સ્ટેશને આવ્યું હતું. ત્યારે પુણેથી દૌંડ માટે રવાના થયેલી પેસેન્જર ટ્રેનની અડફેટે પાંચમાંથી ત્રણ મિત્રો આવી ગયા હતા. બચી ગયેલા બે મિત્રો અકસ્માત જોઇને ગભરાઇને ત્યાંથી ભાગી ગયા હતા. દરમિયાન ટ્રેનની ટક્કરને લીધે ઘટના સ્થળે જ ૧૮ વર્ષના પ્રથમેશ તિંડે અને તન્મય તુપે તથા ૧૯ વર્ષના તુષાર શિંદેનું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતા જ હડપસર પોલીસ અને રેલવે પોલીસ સ્થળે હાજર થઇ હતી. પોલીસે ઘટના સ્થળનું પંચનામું કરીને ત્રણેય મૃતદેહોને નજીકની હોસ્પિટલમાં પોસ્ટમાર્ટમ માટે મોકલ્યા હતા. હડપસર પોલીસ સ્ટેશનમાં આ મામલે અકસ્માત મૃત્યુનો કેસ નોંધાયો છે. પોલીસ અધિકારીઓએ કહ્યું હતું કે યુવકો સ્ટેશને શા માટે આવ્યા હતા?શું કરી રહ્યા હતા? અકસ્માત કઇ રીતે બન્યો? વગેરેની તપાસ ચાલુ છે. જે સ્થળે અકસ્માત થયો હતો ત્યાં આજુબાજુ એક પણ સીસીટીવી ન હોવાથી તપાસ બાદ જ સંપૂર્ણ ઘટનાક્રમ સામે આવશે.


