Mumbai

પંઢરપુર દર્શને આવેલી 3 મહિલા નદીમાં સ્નાન કરવા જતાં ડૂબી ગઈ

By GS TEAM
20 Jul 20252 mins read
પંઢરપુર દર્શને આવેલી 3 મહિલા નદીમાં સ્નાન કરવા જતાં ડૂબી ગઈ

દર્શન પહેલા નદીના પાણીમાં સ્નાન કરવા માટે ગઈ હતી

 લોકોએ ચીસાચીસ કરી મૂકી જોકે, પાણીનો ભારે પ્રવાહ હોવાથી બચાવવામાં નિષ્ફળતા મળી

મુંબઈ -  પંઢરપુરમાં અષાઢી ઉત્સવ બાદ વિઠ્ઠલના દર્શન માટે આવેલી ત્રણ મહિલા ભક્તો ચંદ્રભાગામાં સ્નાન કરવા જતાં ત્રણેય મહિલાઓ ડૂબી જતાં તેમનું મોત નીપજ્યું હતું. 

આ ઘટના આજે સવારે ૭ વાગ્યાની આસપાસ બની હતી. આ ઘટનામાં ૪૩ વર્ષીય સુનિતા સપકાલે, ૪૦ વર્ષીય સંગીતા સપકાલે સહિત ત્રણ મહિલાઓનું મોત નીપજ્યું હતું. 

ઘટના મુજબ, જાલના ભોકરદન ધાવડા ગામની ત્રણ મહિલાઓ વિઠ્ઠલના દર્શન માટે પંઢરપુર આવી હતી. જેમાં દર્શન પહેલા પુંડલિક મંદિર પાસે ચંદ્રભાગા નદીમાં સ્નાન કરવા માટે  ત્રણેય નદીના પાણીમાં  ઉતરી હતી. જો કે આ સમયે પાણીનો ચોક્કસ અંદાજ ન રહેતા ત્રણેય ડૂબબા લાગી હતી.

આ ઘટના નિહાળતા ત્યાં હાજર લોકોએ ચીસાચીસ કરી મૂકી હતી અને મહિલાઓને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પાણીનો ભારે પ્રવાહ હોવાથી તેઓ મહિલાઓને બચાવવામાં નિષ્ફળ રહ્યા હતા. જેથી ત્રણેય મહિલાઓનું ડૂબી જતાં મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને રેસ્કયુ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં બે મહિલાઓના મૃતદેહો મળી આવ્યા હતા. જો કે ત્રીજી મહિલાની શોધખોળ હજુ ચાલુ છે.

વધુમાં ચંદ્રભાગા નદીમાં ઈમરજન્સી સ્થિતિ માટે કોઈ બોટ કે બચાવ કાર્ય માટે કોઈ સ્ટાફ ન હોવાથી આ ઘટના બની હતી.  આ ઘટનાથી પંઢરપુરમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી.