મુંબઇ સેન્ટ્રલ સેન્ટ્રલ ખાતે ઝવેરીને ધમકાવી સોનું, રોકડ પડાવ્યા હત
રેલવે પોલીસ માટે શરમજનક કિસ્સોઃ પરિવાર અને બાળકો સાથે હોવા છતાં સતામણી કરી હતી
મુંબઇ - રાજસ્થાનના ચુરુના એક ઝવેરીને ધમકાવી ખંડણી પડાવવાના આરોપમાં ગયા વર્ષે સસ્પેન્ડ કરાયેલા એક આસીસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેકટર અને બે સરકારી રેલવે પોલીસ (જીઆરપી) કોન્સ્ટેબલને નોકરીમાંથી બરતરફ કરવામાં આવ્યા હતા. મુંબઇ સેન્ટ્રલ રેલવે સ્ટેશન સાથે જોડાયેલા પોલીસ કર્મચારીઓની ઓળખ લલિત જગતાપ (એએસઆઇ) રાહુલ ભોંસલે અને અનિલ રાઠોડ (બન્ને કોન્સ્ટેબલ) તરીકે થઇ છે. જીઆરપીએ તાત્કાલિક અસરથી તેમની બરતરફીનો આદેશ જારી કર્યો છે.
રાજસ્થાનના ચુરુના રહેવાસી અને વ્યવસાયે ઝવેરી એવા કમલકુમાર સોનીને મુંબઇ સેન્ટ્રલ સ્ટેશન પર ઉક્ત ત્રણેય આરોપી એવા પોલીસ કર્મચારીઓએ લૂંટી લીધા હોવાનો આરોપ છે. આ ઘટના ૧૦ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ પ્લેટફોર્મ નંબર પાંચ પર બની હતી.
સોની પહેલી ઓગસ્ટના રક્ષાબંધનનો તહેવાર ઉજવવા માટે તેમની પુત્રી સાથે મુંબઈ આવ્યા હતા. બહેનના ઘરે રક્ષા બંધનનો પ્રસંગ પતાવી ૧૦ ઓગસ્ટના રોજ તેઓ પાછા રાજસ્થાન જઇ રહ્યા હતા. તેઓ તેમની આઠ વર્ષની પુત્રી ભાવી સોની અને સાળા દિનેશ સોની સાથે રાત્રે ૧૦.૩૦ વાગ્યે મુંબઇ સેન્ટ્રલ પહોંચ્યા અને દુરંતો એક્સપ્રેસની રાહ જોઇ રહ્યા હતા જે રાત્રે ૧૧ વાગ્યે ઉપડવાની હતી.
આ સમયે પ્લટફોર્મ નંબર પાંચ પર યુનિફોર્મ પહેરેલા પણ નેમ પ્લેટ ન ધરાવતા એક કોન્સ્ટેબલે સોનીને બોલાવ્યા હતા અને તેમની બેગ ચેક કરી હતી. આ શોધખોળ દરમિયાન તેમને ૧૪ ગ્રામની સોનાની લગડી અને ૩૧૯૦૦/- રૃપિયા રોકડા મળ્યા હતા. પૂછપરછ દરમિયાન સોનીએ તેમને સમજાવ્યું કે તેમની પાસે સોનાની રસીદ છે તેમ છતાં કોન્સ્ટેબલે પુત્રી સામે તેમની સાથે દુર્વ્યવહાર કર્યો હતો. ત્યારબાદ આ કોન્સ્ટેબલ તેમને અન્ય એક સાથી અને એક વરિષ્ઠ અધિકારી પાસે પ્લેટફોર્મ નંબર ત્રણ પર લઇ ગયો હતો અને ત્રણેયે વેપારી સાથે શાબ્દિક દુર્વ્યવહાર સાથે તેમના પર હુમલો પણ કર્યો હતો અને ધરપકડની ધમકી આપી હતી આ સાથે જ કોરા કાગળ પર સહીં માટે દબાણ કર્યું હતું. આ દરમિાયન સોનીની નાની પુત્ર આઘાત પામી રડવા લાગી હતી.
ટ્રેન રવાના થવાની તૈયારીમાં હોવાથી આરોપીઓ એ લગડી અને ૩૧૯૦૦ રોકડા રાખી લીધા હતા જોકે સોનીએ તેમની પાસે કોઇ પૈસા ન હોવાનું જણાવતા આરોપીઓએ ૧૯૦૦ રૃપિયા પાછા આપ્યા હતા.
રાજસ્થાન પરત ફર્યા બાદ સોનીએ ૧૮ ઓગસ્ટના રોજ રતનગઢ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે બાદમાં મુંબઇ સેન્ટ્રલ જીઆરપીને ટ્રાન્સ્ફર કરવામાં આવી હતી. આ ઘટના બાદ જીઆરપીએ ત્રણેયને સસ્પેન્ડ કર્યા હતા અને વધુ તપાસ બાદ ત્રણેયને બરતરફ કરવામાં આવ્યા હતા.


