Get The App

મનસુખ હિરણ મોતના મામલામાં મુંબઇ પોલીસના 3 અધિકારી એનઆઇએના રડાર પર

તેમને પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવે એવી શક્યતા

Updated: Mar 28th, 2021

GS TEAM

Google News
Google News
મનસુખ હિરણ મોતના મામલામાં મુંબઇ પોલીસના 3 અધિકારી એનઆઇએના રડાર પર 1 - image


મુંબઈ :  મુકેશ અંબાણીના ઘરની નજીક મળેલી વિસ્ફોટક ભરેલી એસયુવીના માલિક મનસુખ હિરણના મોતના કેસમાં મુંબઇના ત્રણ પોલીસ અધિકારી એનઆઇએના રડાર પર હોવાનું કહેવાય છે. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ) દ્વારા તેમને પૂછપરછ માટે સમન્સ મોકલવામાં આવે એવી શક્યતા છે. દરમિયાન ધરપકડ બાદ નોકરીમાંથી સસ્પેન્ડ કરાયેલા પોલીસ અધિકારી સચિન વાઝેએ હિરણનો મૃતદેહ મળ્યા બાદ બીજા દિવસે પાંચ મોબાઇલ ફોન નષ્ટ કર્યા હોવાનું કહેવાય છે.

એનઆઇએ દ્વારા વાઝેના મોબાઇલ ફોનના ડાટા મેળવવાનો પ્રયત્ન શરૃ છે. મોબાઇલ ફોનમાંથી અનેક પુરાવા મળી શકે છે. તેની પાસે ૧૩ મોબાઇલ ફોન હતા એવું જાણવા મળ્યું છે.

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના નિવાસસ્થાન નજીક વિસ્ફોટક ભરેલી ગાડી મળી હતી.પછી આ ગાડીના માલિક મનસુખ હિરણનું શંકાસ્પદ મોત થયું હતું. ખાડીમાં તેમનો મૃતદેહ મળ્યો હતો. શરૃઆતમાં હિરણે આત્મહત્યા કરી હોવાની ચર્ચા થતી હતી. છેવટે પરિવારજનો આરોપ બાદ હત્યાનો કેસ દાખલ કરાયો હતો.  (એન્ટી ટેરરિઝમ સ્કવોર્ડ) એટીએસ આ કેસની તપાસ કરતી હતી. પણ પછી એનઆઇએને તપાસ સોંપવામાં આવી હતી. બાદમાં આ કેસમાં સચિન વાઝેની સંડોવણીની જાણ થઇ હતી.

એનિઆએન અધિકારીઓએ એક હોટેલ વ્યવસાયિકનું નિવેદન નોંધ્યું હતું. તેમણે હિરણ, કોન્સ્ટેબલ શિંદે અને ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઓફિસરને ચર્ચા કરતા જોયા હતા. એનઆઇએ દ્વારા આ પોલીસ ઓફિસરની પૂછપરછ થઇ શકે છે.

આ ઉપરાંત એક સિનિયર પોલીસ અધિકારીની પણ કદાચ પૂછપરછ થશે તેણે વાઝે માટે હોટેલના બિલની રકમ ભરવા કહ્યું હતું.