દીપડાની ખાલ, દાંત કાઢી વેચવાના હતા
જંગલી ડુક્કરને ફસાવવનાં છટકાંનો ઉપયોગ દીપડાને પકડવા માટે કરતા હતા
મુંબઇ - બોરીવલીના નેશનલ પાર્ક અને યેઉરના જંગલમાં દીપડાના શિકાર પ્રકરણે ફોરેસ્ટ ખાતાએ છ વનમજુરોની ધરપકડ કરી હતી.
વનવિભાગની તપાસ દરમિયાન એકંદર ત્રણ દીપડાના શબ મળ્યા હતા. આ મૃત દીપડાના દાંત અને બીજા અવયવો કાઢી લેવામાં આવ્યા હતા. ચેતા અને કાશી ક્ષેત્રમાં તેમ જ ઘોડબંદર વિસ્તારમાં દીપડાને મારવામાં આવ્યું હોવાનું આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું હતું.
આ કેસ વિશે મળતી માહિતી મુજબ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે સૌથી પહેલા બે આરોપીઓને તાબામાં લીધા હતા. તેમની પાસેથી દીપડાની ખાલ મળી આવી હતી. આરોપીઓએ નેશનલ પાર્ક અને યેઉરમાં મારવામાં આવેલા દીપડાની આ ખાલ હોવાનું કબૂલ કર્યું હતું. આ બંને આરોપીઓની પૂછપરછને આધારે ચાર ફરાર આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં હતાં.
ગેરકાયદે શિકાર કરવાના આરોપસર પકડાયેલા આરોપીઓ સંજય ગાંધી નેશનલ પાર્કમાં અતિક્રમણ કરીને રહેતા હોવાનું જાણવા મળ્યું હતું. દીપડાની ખાલ, દાંત અને બીજા અવયવો વેંચીને પૈસા કમાવા માટે આરોપીઓ દીપડાનો શિકાર કરતા હોવાનું જાણવા મળ્યું હતું. જંગલી ડુક્કરોને ફસાવવા માટે ગોઠવવામાં આવતા છટકાંનો ઉપયોગ આરોપીઓ દીપડાને પકડવા માટે કરતા હતા. મુખ્ય વનસંરક્ષણ ડો. જીતેન્દ્ર રામગાંવકર અને વનસંરક્ષક અનિતા પાટીલના માર્ગદર્શન હેઠળ આ કામગીરી પાર પાડવામાં આવી હતી.


