Get The App

3 બનાવટી પાસપોર્ટ, 2 દેશનું નાગરિકત્વઃ મુંબઈ એરપોર્ટથી પ્રવાસી ઝડપાયો

Updated: Jun 19th, 2025

GS TEAM

Google News
Google News
3 બનાવટી પાસપોર્ટ, 2 દેશનું નાગરિકત્વઃ મુંબઈ એરપોર્ટથી પ્રવાસી ઝડપાયો 1 - image


લૂક આઉટ નોટિસ હોવાથી પૂછપરછ બાદ પર્દાફાશ

સમીર લાખાણીએ યુકેના વીઝા રિજેક્ટ યા બાદ સમીર મામોડિયા નામે બનાવટી પાસપોર્ટ મેળવ્યોઃ પહેલાં પોર્ટુગલ અને બાદમાં યુકેનું નાગરિકત્વ  મેળવ્યું

મુંબઈ -  એક વ્યક્તિએ બનાવટી ભારતીય પાસપોર્ટના આધારે યુ.કે. અને પોર્ટુગલ એમ બે દેશના પાસપોર્ટ અને નાગરિકત્વ મેળવ્યું હતું. જોકે સાત વર્ષ બાદ જ્યારે તે લંડનથી મુંબઈ આવ્યો ત્યારે તેની આ છેતરપિંડીનો પર્દાફાશ થયો હતો. આ ઘટના તેની ધરપકડ કરવામાં આવી હતી અને સહાર પોલીસ મથકમાં તેની સામે છેતરપિંડી અને પાસપોર્ટ એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોમવારે રાત્રે લંડનથી સમીર મમોદિયા (૩૭) નામનો એક પ્રવાસી આવ્યો હતો. આ સમયે ફરજ પરના ઈમિગ્રેશન અધિકારી માઘાડેએ તેમનો પાસપોર્ટ તપાસ્યો ત્યારે ઈમિગ્રેશન વિભાગની સિસ્ટમમાં તેની સામે લુકઆઉટ નોટિસ હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ તેને તાબામાં લઈ વધુ પૂછપરછ માટે વિંગ ઈન્ચાર્જ પિંગુલસર સામે હાજર કરવામાં આવ્યો હતો. તેની આગળની વધુ પૂછપરછમાં તેણે છેતરપિંડી કરી હોવાનું બહાર આવ્યું હતું.

આ વ્યક્તિનું સાચુ નામ સમીર લાખાણી હોવાનું અને તેના પાસે ભારતીય પાસપોર્ટ હોવાનું સ્પષ્ટ થયું હતું. તેણે ૨૦૦૮માં યુ.કે.નો પ્રવાસ કરવાનું વિચાર્યું હતું પણ તેને યુ.કે.ના વીઝા મળી શક્યા નહોતા. આ વાતથી નારાજ લખાણીએ ૨૦૧૫માં એક એજન્ટનો સંપર્ક કર્યો હતો અને સમીર મામોડિયાના નામે બનાવટી પાસપોર્ટ મેળવી પોતે દિવ- દમણવાસી હોવાનું જણાવ્યું હતું. 

આ રીતે પાસપોર્ટ મેળવ્યા બાદ તેણે વધુ એક તુક્કો અજમાવ્યો હતો. તેણે પોર્ટુગીઝ વ્યક્તિનો પુત્ર હોવાનું જણાવી પોર્ટુગલનો પાસપોર્ટ અને નાગરિકત્વ  પણ મેળવી લીધું હતું. ત્યારબાદ પોર્ટુગલના પાસપોર્ટના આધારે તે લંડન ગયો હતો. પોર્ટુગલના પાસપોર્ટ પર તેણે બે વાર ઈંગ્લેન્ડથી ભારતનો પ્રવાસ કર્યો હતો.  ત્યારબાદ તેણે પોર્ટુગલનું નાગરિકત્વ છોડી દીધું હતું અને બ્રિટનનું નાગરિકત્વ મેળવી બ્રિટીશ પાસપોર્ટ મેળવવામાં પણ સફળ રહ્યો હતો. ત્યારબાદ તે બ્રિટીશ પાસપોર્ટ પર લંડનથી ભારત આવી રહ્યો હતો ત્યારે પકડાઈ ગયો હતો. સમીર લાખાણીએ બનાવટી ભારતીય પાસપોર્ટના આધારે યુ.કે. અને પોર્ટુગલ એમ બે દેશના પાસપોર્ટ બનાવ્યા હતા પણ કોઈને તેના પર શંકા ગઈ નહોતી.

છેલ્લા સાત વર્ષમાં તેણે ત્રણ પાસપોર્ટ બે દેશોની નાગરિકતા મેળવીને ત્રણ દેશો સાથે છેતરપિંડી આચરી હતી. આ સાથે જ ભારતીય પાસપોર્ટ ઓથોરિટી અને ભારતીય ઈમિગ્રેશન વિભાગની પણ છેતરપિંડી કરીને બનાવટી ભારતીય પાસપોર્ટ તૈયાર કરવા અને તેના આધારે પોર્ટુગલ અને યુ.કે.ના પાસપોર્ટ મેળવ્યા હોવાની ફરિયાદ ઈમિગ્રેશન અધિકારી માઘાડેએ સહાર પોલીસ મથકમાં કરતા પોલીસે પાસપોર્ટ એક્ટની કલમ ૧૨ અને ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૮ (૪), ૩૩૬ (૨), ૩૩૬ (૩), ૩૪૦ (૨) હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Tags :