મુંબઈથી નાસિક જતી કારનો અકસ્માત 3ના મોતઃ 2 ઘાયલ
કસારા પાસે મોડી રાતે રાત્રે અકસ્માત સર્જાયો
ડ્રાઈવરે કાબુ ગુમાવતાં કાર રસ્તાની બાજુમાં ઊંડા ખાડામાં પડી ગઈ
મુંબઈ - મુંબઈથી નાસિક તરફ જઈ રહેલી કાર મંગળવારે કસારા નજીક રસ્તાની બાજુમાં આવેલા એક ઊંડા ખાડામાં પડી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણ લોકોનું મોત નીપજ્યું હતું. તો અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
વિગત મુજબ, આ અકસ્માતમાં રિયાજ અલી, આસાદુલ્લાહ અને અફજલનું મોત નીપજ્યું હતું. આ ત્રણેય ઉત્તર પ્રદેશના રહેવાસી હતી. ઘટના સમયે મુંબઈથી પાંચ મિત્રો કારમાં સવાર થઈને નાસિક તરફ જઈ રહ્યા હતા. જેમાં મંગળવારે રાત્રે કાર કસારાના ઓરેન્જ હોટલ સામેથી પસાર થતાં જ કાર ડ્રાઈવરે વાહન પરનો કાબુ ગુમવતા તે સીધી રસ્તાની બાજુમાં રહેલ ઊંડા ખાડામાં પડી ગઈ હતી.
જેથી કારનોે કચ્ચરઘાણ નીકળી ગયો હતો. ઘટનાની માહિતી મળતાં જ હાઈવે પોલીસ અને અન્ય કર્મચારીઓ અકસ્માત સ્થળે પહોંચ્યા હતા અને તાત્કાલિક કારને ખાડામાંથી બહાર કાઢી હતી તથા તમામ લોકોને કારમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
જો કે, અકસ્માતમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. તો અન્ય બે લોકો ગંભીર રીતે ઘાયલ હોવાથી તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી હતી.