Mumbai

ડિજિટલ એરેસ્ટ દ્વારા 3 કરોડ પડાવવાના કેસમાં 3 ઝડપાયા

By GS TEAM
26 Jun 20252 mins read
ડિજિટલ એરેસ્ટ દ્વારા 3 કરોડ પડાવવાના કેસમાં 3 ઝડપાયા

બેન્ક ખાતાંમાં પૈસા જમા થવાના આધારે ઝડપાઈ ગયા

સીબીઆઈ અધિકારીના  સ્વાંગમાં  ડિજિટલ એરેસ્ટ બાદ દાદર, સાંતાક્રુઝ, ભાંડુપ રહેતી ત્રિપૂટીના ખાતાંમાં પૈસા જમા, બાદમાં વિદેશ ટ્રાન્સફર કરાયા

મુંબઈ -  થાણે સાયબર પોલીસ સીબીઆઇ ઓફિસરના સ્વાંગમાં ડિજિટલ એરેસ્ટ  કરી રૃા.ત્રણ કરોડની છેતરપિંડી કરનારા આંતરરાષ્ટ્રીય ગેંગના ત્રણ આરોપીને ઝડપી લીધા છે. દાદર, સાંતાક્રુઝ, ભાંડુપમાં રહેતી ત્રિપુટીના ખાતામાં છેતરપિંડીના લાખો રૃપિયા ટ્રાન્સફર કરાયા હતા. બાદમાં ક્રિપ્ટોકરન્સીના માધ્યમથી વિદેશ મોકલવામાં આવ્યા હતા. આરોપીમાં એક પતપેઢીના ચેરમેન, કોસ્મેટીકના વેપારી તેમજ  ગારમેન્ટ અને ઇમિટેશન જ્વેલરીનો વ્યવસાય કરનારનો સમાવેશ છે. થાણે  થાણે નગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદના આધારે દાદરના કિશોર બંસીલાલ જૈન (ઉ.વ.૬૩) સાંતાક્રુઝ (પૂર્વ)ના મહેશ પવન કોઠારી (ઉ.વ.૩૬), ધવલ સંતોષ ભાલેરાવ  (ઉ.વ.૨૬)ની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

ફરિયાદીને અજાણી વ્યક્તિએ  વિડીયો કૉલ કરીને સીબીઆઇ અધિકારી હોવાનો દાવો કર્યો હતો. ફરિયાદીના નામના પાસ્લમાં મેફેડ્રોન, થાઇપાસપોર્ટ, લેપટૉપ, ત્રણ ક્રેડિટ કાર્ડ, અન્ય સામગ્રી મળી હોવાનો આરોપ કરી  ડિજિટલ એરેસ્ટની ધમકી આપી હતી. પછી બચાવ માટે ફરિયાદી પાસે જુદા જુદા બેન્ક ખાતામાં રૃા.૩.૦૪ કરોડ ટ્રાન્સફર કરવા દબાણ કર્યું હતું.

બાદમાં તેની સાથે  છેતરપિંડી થઇ હોવાની જાણ થતા ફરિયાદીએ થાણે નગર પોલીસનો સંપર્ક કર્યો હતો. સાયબર પોલીસ પણ કેસની તપાસ કરી રહી હતી.

દરમિયાન આંતરરાષ્ટ્રીય ટોળકીએ આરોપી કિશોર જૈન, ધવલ ભાલેરાવ, મહેશ કોઠારીના ખાતામાં રૃા.૮૨.૪૬ લાખ ટ્રાન્સફર કર્યો હોવાનું માલૂમ પડયું હતું. બાદમાં ક્રિપ્ટોકરન્સી દ્વારા કેટલાક લોકોને વિદેશમાં પૈસા મોકલ્યા હતા. પોલીસ આ ત્રિપુટીને પકડીને તેમના સાથીદારોની માહિતી મેળવી રહી છે.