એકબાજુ સોદો રદ કરવાની જાહેરાત, બીજી બાજુ નવી એફઆઈઆર
કેસ આર્થિક ગુના શાખાને ટ્રાન્સફર કરાયો, જોકે, બીજી એફઆઈઆરમાં પણ પાર્થ પવારનો ઉલ્લેખ નહિ
મુંબઈ - મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારના પુત્રના વ્યવસાયિક ભાગીદાર દિગ્વિજય પાટિલ સહિત ત્રણ લોકો સામે ૩૦૦ કરોડ રૃપિયાના જમીન સોદામાં ગુનો નોંધાયાના એક દિવસ પછી શુક્રવારે પાટિલ, શિતલ તેજવાણી અને સસ્પેન્ડ કરાયેલા મહેસૂલ અધિકારી સૂર્યકાંત યેવલે સામે વધુ એક એફઆઈઆર નોંધવામાં આવી છે.
જિલ્લા કલેક્ટર જીતેન્દ્ર ડુડીએ જણાવ્યું હતું કે, પુણે શહેરના ખડક પોલીસ સ્ટેશનમાં કથિત ગેરરીતિ, છેતરપિંડી અને બનાવટ માટેનો નવી એફઆઈઆર નાયબ (ડેપ્યુટી) તહસીલદારની ફરિયાદ પર નોંધવામાં આવી હતી..
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ કેસ આથક ગુના શાખાને ટ્રાન્સફર કરવામાં આવ્યો છે.
ગુરુવારે, રજિસ્ટ્રાર ઓફિસના ઇન્સ્પેક્ટર જનરલે પાટિલ, તેજવાણી અને સબ-રજિસ્ટ્રાર આરબી તારુ વિરુદ્ધ ગેરરીતિ અને છેતરપિંડી માટે (બાવધન પોલીસ સ્ટેશનમાં) ગુનો નોંધ્યો હતો. અમારી ફરિયાદના આધારે આજે તહસીલદાર યેવલે, પાટીલ અને તેજવાણી વિરુદ્ધ બીજો ગુનો નોંધવામાં આવ્યો હતો.અમને પ્રાથમિક તપાસ દરમિયાન સસ્પેન્ડ કરાયેલા તહસીલદારની સરકારની માલિકીની જમીનના ગેરકાયદેસર ટ્રાન્સફરને મંજૂરી આપવામાં ભૂમિકા જોવા મળી હતી,એમ કલેક્ટર ડુડીએ જણાવ્યું હતું.
એફઆઈઆર મુજબ યેવલે સરકારી જમીન ખાનગી વ્યક્તિઓને ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર કરવામાં મદદ કરવા માટે કુખ્યાત હતો. આ કિસ્સામાં, પુણેના મુંઢવા વિસ્તારમાં આવેલી જમીનનો કબજો મેળવવા માટે પાટીલે યેવલેને અરજી સુપરત કરી હતી.યેવલેએ ગેરકાયદેસર રીતે જમીન ખાલી કરવા માટે નોટિસ ફટકારી હતી. આ દર્શાવે છે કે તે પોતાની સત્તાનો દુરુપયોગ કરવામાં ટેવાયેલ હતા,એમ એફઆઈઆરમાં જણાવાયું છે.
આ જ એફઆઈઆરમાં પુણે નજીક બોપોડીમાં જમીનના અન્ય વિવાદાસ્પદ સોદામાં સંડોવાયેલા છ અન્ય લોકોના નામ પણ હતા.
એફઆઈઆરમાં જણાવાયું છે કે રેકોર્ડ દર્શાવે છે કે આ જમીન રાજ્યના કૃષિ વિભાગની છે, પરંતુ યેવલેએ કથિત રીતે એક આદેશ પસાર કર્યો હતો એમાં પાંચ ખાનગી વ્યક્તિઓને તેના પર માલિકી હકો હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.
મુંઢવામાં ૪૦ એકર સરકારી જમીનના વેચાણ માટે ૩૦૦ કરોડ રૃપિયાનો સોદો અમાડિયા એન્ટરપ્રાઇઝિસ એલએલપી (જેમાં અજિત પવારનો પુત્ર પાર્થ ભાગીદાર છે) સાથે કરાતા વિવાદ થયો હતો.કેમકે એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે સરકારની પરવાનગી વિના જમીન વેચી શકાતી નથી.
એવો પણ આરોપ મૂકવામાં આવ્યો હતો કે વ્યવહાર પર સ્ટેમ્પ ડયુટી માફ કરવામાં આવી હતી, જેના કારણે સરકારી તિજોરીને વધુ નુકસાન થયું હતું.જમીનના માલિકો તરીકે દર્શાવવામાં આવેલા ૨૭૨ વ્યક્તિઓ વતી પાવર ઓફ એટર્ની ધરાવતા શિતલ તેજવાણીએ કથિત રીતે વેચાણ કર્યું હતું.


