Get The App

મુંબઈ એરપોર્ટ પાસે છેલ્લા છ મહિનામાં 29 વાર બર્ડ હિટ

Updated: Jun 30th, 2025

GS TEAM

Google News
Google News
મુંબઈ એરપોર્ટ પાસે છેલ્લા છ મહિનામાં 29 વાર બર્ડ હિટ 1 - image


મુંબઈ પર વિમાન દુર્ઘટનાનું સતત ઝળુંબતું જોખમ

કાંજુરમાર્ગ, દેવનાર તથા વર્સોવાના ડમ્પિંગ ગ્રાઉન્ડ ફનલ ઝોનમાં હોવાથી સતત બર્ડ હિટનું જોખમઃ  ખાસ કમિટીની બેઠક સવા વર્ષે મળી

મુંબઇ: મુંબઇ એરપોર્ટ નજીક છેલ્લાં છ મહિનામાં વિમાનો સાથે પક્ષી અથડાવાની ૨૯ ઘટના બની હતી. વિમાન અકસ્માતના વધતા જોખમને લીધે પ્રશાસનની ચિંતા વધી ગઇ છે.

અમદાવાદમાં  એર-ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયું એવી રીતે મુંબઇની ગીચ વસતી પર વિમાન તૂટી પડે તો કેટલી મોટી જાનહાનિ થાય તેની કલ્પનામાત્રથી ધુ્રજી જવાય છે. બર્ડ-હિટના જોખમ અને તેના નિવારણ માટે કયા પગલાં લઇ શકાય એ વિશે ચર્ચા  કરવા માટે મંત્રાલયમાં ગયા અઠવાડિયે જ યોજાયેલી બેઠકમાં આપવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા છ મહિનામાં બર્ડ-હિટની ૨૯ ઘટના બની  હતી અને છેલ્લાં પાંચ વર્ષમાં લેન્ડિંગ અને ટેક-એફ કરતા વિમાનો સાથે પક્ષીની અથડામણની ૨૫૦ થી વધુ ઘટના બની હતી.

બર્ડ-હિટ સંદર્ભમાં એવું તારણ કાઢવામાં આવ્યું હતું કે કાંજુરમાર્ગ, દેવનાર અને વર્સોવાના ડમ્પિંગ ગ્રાઉન્ડ એરપોર્ટના ફનલ ઝોનમાં આવે છે. કૂડા-કચરામાં ખાવાનું મબલખ પ્રમાણમાં મળતું હોવાથી માંસ-માછલી ખાતા મોટા પક્ષીઓ પણ સતત ચકરાવા લેતા હોય છે. ઉપરાંત એરપોર્ટથી ૧૦ કિ.મી.ના અંતરે વનક્ષેત્ર અને મેનગ્રોવ્ઝને કારણે પણ  પક્ષીઓ ઉડતા રહે છે. પરિણામે મુંબઇ એરપોર્ટ નજીક બર્ડ-હિટનું જોખમ વધતું  જ જાય છે.

પક્ષીઓને વિમાન સાથે અથડાતા કેવી રીતે રોકી શકાય એ વિશે ચર્ચા-વિચારણા કરવા માટે એપ્રિલ ૨૦૨૪માં વિમાનમથક પર્યાવરણ સમિતિની બેઠક યોજાઇ હતી. ત્યાર પછી  ઠેઠ  અત્યારે યોજાયેલી બેઠકમાં  વર્સોવા કચરા હસ્તાંતરણ કેન્દ્રનું આધુનિકિકરણ કરવાની, કચરાના ઢગલાં ઢાંકીને રાખવા વગેરે ઉપાયો અજમાવવાનો પાલિકાને આદેશ આપ્યો હતો.

વિમાન સાથે કેટલી ઉંચાઇએ કેટલા પક્ષી અથડાયા ?

મુંબઇ એરપોર્ટના આકાશમાં કેટલી ઉંચાઇએ વિમાન સાથે કેટલાં પક્ષી અથડાયા તેની આંકડાવારી ઉપલબ્ધ થઇ છે. આ આંકડા અનુસાર ૫૦ થી ૨૦૦ ફૂટની ઉંચાઇએ ૩ પક્ષી, ૫૦૦ ફૂટની ઊંચાઇએ ૧૬ પક્ષી, ૫૦૦ થી ૧૦૦૦ ફૂટ ઉંચે ૧૩ પક્ષી અને ૩ હજાર ફૂટની ઉંચાઇએ બર્ડ હિટની  ૧૧ ઘટના બની હતી.

Tags :