ગણેશોત્સવ દરમ્યાન 262 વિશેષ ટ્રેનો દોડાવાશે
એલટીટી, દાદર, પનવેલ, થાણે, પુણે, બાંદરા, વલસાડ જેવા મુખ્ય સ્ટેશનોથી ટ્રેનો દોડાવાશે
મુંબઈ - મુંબઈ સ્થિત મધ્ય રેલવે અને પશ્ચિમ રેલવેએ શુક્રવારે જાહેરાત કરી હતી કે તેઓ આગામી ગણેશોત્સવ દરમ્યાન પ્રવાસીઓની ભીડને પહોંચી વળવા ૨૬૨ વિશેષ ટ્રેનો ચલાવશે. મધ્ય રેલવે ૧૯૨ વિશેષ સર્વિસ ચલાવશે, જ્યારે પશ્ચિમ રેલવે કોંકણ જતાં માર્ગ પર આવી ૭૦ ટ્રેન સર્વિસ દોડાવશે.
મધ્ય રેલવેના જણાવ્યાનુસાર, આ સર્વિસ કોંકણ વિસ્તારમાં સાવંતવાડી રોડ, કુડાળ, રત્નાગિરી અને પેરનેમ સહિત બહોળી માગના સ્થળોને આવરી લેશે. આ ટ્રેનો લોકમાન્ય ટિળક ટર્મિનસ, દાદર, પનવેલ, થાણે અને પુણે જેવા મુખ્ય સ્ટેશનોથી દોડશે. ૧૯૨ સ્પેશિયલ ટ્રેનોમાં લોકમાન્ય ટિળક ટર્મિનસ અને સાવંતવાડી રોડ વચ્ચે ૪૦, એલટીટી અને રત્નાગિરી વચ્ચે ૨૪, પનવેલ અને કુડાળ વચ્ચે ૨૪, પનવેલ-સાવંતવાડી વચ્ચે ૨૦, એલટીટી અને કુડાળ વચ્ચે ૩૬, દાદર-રત્નાગિરી વચ્ચે ૧૮, થાણેથી કુડાળ અને સાવંતવાડી માટે પ્રત્યેકે આઠ અને પુણે-સાવંતવાડી રોડ વચ્ચે છ ટ્રેનોનો સમાવેશ છે.
દરમ્યાન, પશ્ચિમ રેલવેએ જણાવ્યું હતું કે, તે મુંબઈને ગોવાના ભાગો તેમજ દક્ષિણ કોંકણ કિનારા સાથે જોડતી ૭૦ ગણપતિ વિશેષ ટ્રેનો દોડાવશે. જેમાં બાંદરા ટર્મિનસ-મડગાંવ વચ્ચે ૨૬, વલસાડ-સાવંતવાડી રોડ વચ્ચે ૨૨ અને વલસાડ-કુડાળ વચ્ચે ૨૨ ટ્રેનોનો સમાવેશ છે.
બંને ઝોનના રેલવે અધિકારીએ જણાવ્યું હતું કે, મુસાફરોએ છેલ્લી ઘડીના બુકિંગને ટાળવા મુસાફરીનું આગોતરું આયોજન કરવું જોઈએ. તેમજ મુસાફરી પૂર્વે નેશનલ ટ્રેન ઈન્ક્વાયરી સિસ્ટમ (એનટીઈએસ) પર સમય અને સ્ટોપેજ તપાસીને નીકળવું.