મહારાષ્ટ્રમાં અખાત્રીજે 26 બાળલગ્ન અટકાવાયાં
ગ્રામ્ય વિસ્તારોમાં ધૂમ બાળલગ્ન થાય છે
પોલીસ તથા અન્ય એજન્સીઓના સંકલનથી જાણ થઈ ત્યાં બાળ લગ્ન અટકાવાયાં
મુંબઇ - અક્ષય તૃતીયાના મૂહુર્તમાં મહારાષ્ટ્રના જુદા જુદા ભાગોમાં ૨૬ બાળલગ્ન રોકવામાં પ્રશાસનને સફળતા મળી હતી.
શુભ મૂહુર્તમાં મોટા પાયે લગ્નો યોજાતા હોય છે એમ રાજ્યના અંતરિયાળ ભાગોમાં બાળલગ્નો પણ યોજાતા હોય છે. આ વાત ધ્યાનમાં રાખીને મહિલા અને બાળવિકાસ વિભાગ તરફથી બે દિવસ પહેલાં જ વિડિયો કોન્ફરન્સિંગથી જિલ્લા કલેકટરો, ઉચ્ચ પોલીસ અધિકારીઓ તેમજ મહિલા અને બાળવિકાસ ખાતાના અધિકારીઓની મીટીંગ યોજવામાં આવી હતી અને બાળવિવાહ રોકવા માટે તત્કાળ પગલાં લેવાની તાકીદ કરવામાં આવી હતી.
પોલીસ અને જિલ્લા પ્રશાસન તરફથી જાપ્તો રાખવામાં આવ્યો હતો અને અક્ષય તૃતીયાની પૂર્વસંધ્યાએ નાંદેડ જિલ્લાના ભોકર ગામે અને મુખેડ તાલુકાના મંગનાળી ગામે બે બાળવિવાહ સહિત રાજ્યના અન્ય ભાગોમાં એકંદર ૨૬ બાળવિવાહ રોકવામાં આવ્યા હતા.