Mumbai

મુંબઇમાં 7 મહિનામાં 26 હજાર લોકોને બિલાડીઓ કરડી

By GS TEAM
15 Oct 20252 mins read
મુંબઇમાં 7 મહિનામાં 26 હજાર લોકોને બિલાડીઓ કરડી

છેલ્લાં સાત મહિનામાં ભારે 'કેટ- સ્ટ્રાઇક'

બિલાડી જખમી કરકે ચાટે તો પણ તત્કાળ એન્ટી-રેબીઝ વેક્સિન લેવાની સલાહ

મુંબઇ -  મુંબઇ મહાનગરમાં છેલ્લાં સાત મહિના દરમિયાન ૨૬ હજારથી વધુ લોકોને બિલાડીઓએ જખમી કર્યા હતા. મુંબઇ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના જણાવ્યા પ્રમાણે છેલ્લાં ૧૯ મહિનાના રેકોર્ડ તપાસતા મળતી માહિતી મુજબ દરરોજ સરેરાશ ૧૦૧ વ્યક્તિને બિલાડીઓએ જખમી કર્યા હતા.

બિલાડી બચકું  ભરે, વિખોડિયા ભરે કે પછી ચાટે ત્યારે તરત જ એન્ટી- રેબીઝ વેક્સિનનું ઇન્જેક્શન લેવાની સલાહ આપવામાં આવે છે.

૨૦૨૪માં બિલાડી કરડવાના ૩૧,૦૯૬ કેસ નોંધાયા હતા. જ્યારે આ વર્ષે સાત મહિનામાં ૨૬ હજારથી વધુ લોકોને બિલાડીએ ઇજા પહોંચાડી છે. એમ આરટીઆઇ દ્વારા મેળવવામાં આવેલી માહિતીથી જાણવા મળ્યું છે. પરેલની બાઇ સાકરબાઇ દિનશા પેટીટ હોસ્પિટલ ફોર એનિમલ્સના સિનિયર ડોક્ટરના જણાવ્યા પ્રમાણે કૂતરાની જેમ બિલાડી પણ ભૂખી થાય ત્યારે અથવા પોતાને અસુરક્ષિત મહેસૂસ કરે ત્યારે એકદમ આક્રમક બની જાય છે. બિલાડી પાળેલી હોય તો પણ તેનો સ્વભાવ ઉગ્ર હોય છે.

મુંબઇ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ડો. દક્ષા શાહના જણાવ્યા પ્રમાણે બિલાડીઓના વેક્સિનેશન અને નસબંધી માટે ૭ એજન્સીઓ નિયુક્ત કરવામાં આવી છે. ૨૦૧૯થી અત્યાર સુધીમાં ૪૦ હજાર બિલાડીઓની નસબંધી કરવામાં આવી છે. આ વર્ષે ૧૨ હજાર બિલાડીઓની નસબંધીનું લક્ષ રાખવામાં આવ્યું છે.

બીજી તરફ એનિમલ હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા પ્રમાણે બિલાડીઓની નસબંધી માટે અત્યારે ત્રણેક એજન્સીઓ જ સક્રિય છે. પરિણામે દર મહિને માત્ર ૪૦૦થી ૫૦૦ બિલાડીની જ નસબંધી થઇ શકે છે. બિલાડી વર્ષ દરમિયાન ૯થી ૧૦ બચ્ચાને જન્મ આપે છે. આને લીધે બિલાડીની આબાદી કૂતરા કરતાં અનેક ગણી ઝડપે વધતી  જાય છે.

બિલાડી કરડે, નખ મારે અથવા ચાટે તો તેને કારણે પણ હડકવા થઇ શકે છે, એટલે જ બિલાડી ઇજા પહોંચાડે ત્યારે તરત જ ડોક્ટરનો સંપર્ક કરી એન્ટી- રેબીઝ વેક્સિનનું ઇન્જેક્શન લેવું જરૃરી છે. કૂતરું કરડે અને માણસને હડકવા ઉપડે ત્યારે જે લક્ષણો જોવા મળે છે એવાં જ લક્ષણ બિલાડી કરડે અને હડકવા ઉપડે ત્યારે જોવા મળે છે. જેમ કે પાણીથી ડરવા માંડે છે, મોઢામાંથી લાળ પડવા માંડે છે અને માણસ એકદમ આક્રમક બની જાય છે.