શનિ મંદિરમાં 2474 બોગસ કર્મચારીઓ, 500 કરોડનો ભ્રષ્ટાચાર
બોગસ ખાતાં ખોલાવી ટ્રસ્ટીઓએ ઉચાપત કરી
બે લાખ સભ્યો ધરાવતી નકલી એપ્સ દ્વારા પણ ઉચાપતઃ તપાસની સરકાર દ્વારા જાહેરાત
મુંબઈ - અહિલ્યાનગર સ્થિત શ્રી શનૈશ્વર દેવસ્થાનમાં કરોડો રૃપિયાના ભ્રષ્ટાચારનો ખુલાસો વિધાનસભામાં થયો છે. દેવસ્થાનમાં ૨૪૭૪ બોગસ કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું, અને ભક્તો પાસેથી એકત્ર કરાયેલા પૈસા નકલી એપ્સ, ઊઇ કોડ અને રસીદો બનાવીને ખાનગી ખાતામાં વાળવામાં આવ્યા હતા.
આ અંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ભગવાનના ઘરમાં પણ લોકો ભ્રષ્ટાચાર કરે છે તે ભયાનક છે. સરકાર પંઢરપુર અને શિરડીની જેમ શ્રી શૈનૈશ્વર દેવસ્થાન પર એક સમિતિ નિયુક્ત કરવાનું વિચારી રહી છે.
આ કિસ્સામાં, એ સ્પષ્ટ થયું કે મંદિર, અગાઉ ૨૫૮ કર્મચારીઓ સાથે કાર્યરત હતું, તેમાં ે ૨૪૭૪ બોગસ કર્મચારીઓ બતાવાયા હતા. ઉપરાંત, ભક્તોના નિવાસસ્થાનમાં ૧૦૯ રૃમ માટે ૨૦૦ કર્મચારીઓ, ૧૩ કાર માટે ૧૬૩ કર્મચારીઓ, તેલ વેચાણ અને દાન કાઉન્ટર પર ૩૫૨ કર્મચારીઓ અને વૃક્ષ સંરક્ષણ માટે ૮૩ કર્મચારીઓ દર્શાવવામાં આવ્યા હતા.પરંતુ વાસ્તવમાં,કોઈ કર્મચારી ફરજ પર નહિ હોવાની વાત બહાર આવી હતી.
મુખ્યમંત્રી ફડણવીસે કહ્યું કે ટ્રસ્ટીઓએ કાર્યકરોના નામે બેંક ખાતા ખોલાવ્યા, મંદિરના ખાતામાંથી પગાર તેમનામાં જમા કરાવ્યો અને ખાનગી લોકોના ખાતામાં પૈસા ટ્રાન્સફર કર્યા હતા.નકલી એપ્સ દ્વારા કરોડો રૃપિયાની લૂંટ પણ કરવામાં આવી છે.જેમાં દરેક એપમાં બે લાખથી વધુ ભક્ત સભ્યો છે અને અંદાજિત ૫૦૦ કરોડ રૃપિયાથી વધુનું કૌભાંડ થયું છે.
કાયદા અને ન્યાય વિભાગના અહેવાલ બાદ કેસ નોંધવાના આદેશ આપવામાં આવ્યા છે. ચેરિટી કમિશનરની ઓફિસની બહારના અધિકારીઓ તેમજ સાયબર પોલીસ દ્વારા તપાસ શરૃ કરવામાં આવશે. આ બાબતથી ભક્તોમાં ભારે રોષ ફેલાયો છે અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી રહી છે.