તામ્હિણી ઘાટમાં 1 જ દિવસમાં 23 ઈંચ - 31 વર્ષનો રેકોર્ડ તૂટયો

ભારતમાં આ વર્ષે એક જ દિવસમાં મહત્તમ વરસાદનો પણ કદાચ રેકોર્ડ
તામ્હિણીમાં સીઝનનું ટોટલ ૨૯૭ ઈંચ ઃ લોનાવાલા અને માથેરાન જેવાં પર્યટન મથકોએ ૨૪ કલાકમાં ૧૭ ઈંચ
મુંબઈ - મુંબઈ શહેર સોમવાર અને મંગળવારે ૧૦થી ૧૨ ઈંચ વરસાદમાં જ બેહાલ થઈ ગયું હતું તે જ અરસામાં મુંબઈથી ૧૬૭ કિમીના અંતરે આવેલા તામ્હિણી ઘાટમાં બુધવારે સવારે ૮.૩૦ સુધીના ૨૪ કલાકમાં ૫૭૫ મિમિ એટલે કે ૨૩ ઈંચ વરસાદ ખાબકી ગયો હતો. તામ્હિણીમાં એક જ દિવસમાં આટલા વરસાદનો ૩૧ વર્ષનો રેકોર્ડ તૂટયો હોવાનો દાવો જાણકારો કરે છે. તામ્હિણીમાં હવે મોસમનો કુલ વરસાદ ૭૪૨૮ મિમિ એટલે કે ૨૯૭ ઈંચ થઈ ચૂક્યો છે.
મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં ચોમાસાના બીજા રાઉન્ડમાં વરસાદનું આક્રમક સ્વરુપ જોવા મળી રહ્યું છે. ઘાટ વિસ્તારમાં પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર લોકોનાં માનીતાં હિલ સ્ટેશન લોનાવાલામાં બુધવારે સવારે ૮.૩૦ સુધીના ૨૪ કલાકમાં ૪૧૮ એટલે કે આશરે ૧૭ ઈંચ જેવો વરસાદ થયો હતો. અહીં મોસમનો કુલ વરસાદ ૪૧૫૫ મિમિ થયો છે. તામ્હિણીની લગોલગ આવેલાં ભીરામાં ૨૪ કલાકમાં ૫૬૮ મિમિ વરસાદ નોંધાયો હતો.
આ જ સમયગાળામાં ઘાટનાં અન્ય સ્થળોમાંથી શિરગાંવમાં ૪૩૦ મિમિ, કોયનામાં ૩૧૬ મિમિ, ખોપોલીમાં ૩૦૫ મિમિ, ડુંગરવાડીમાં ૩૭૩ મિમિ, દાવડીમાં ૪૧૯ મિમિ અને અમબોનામાં ૩૩૮ મિમિ વરસાદ નોંધાયો હતો. ખંડાલા ઘાટમાં ૨૪ કલાકમાં ૪૧૨ મિમિ વરસાદ નોંધાયો હતો. મુંબઈગરાંઓના પ્રિય હિલ સ્ટેશન માથેરાનમાં આજે સવાર સુધીના ૨૪ કલાકમાં ૪૩૮ મિમિ એટલે કે સાડા સત્તર ઈંચ વરસાદ થયો હતો. જ્યારે અન્ય હિલ સ્ટેશન મહાબળેશ્વરમાં ૩૦૧ મિમિ એટલે કે ૧૨ ઈંચ વરસાદ નોંધાયો હતો.
તામ્હિણી ઘાટમા વરસાદે હજુ ગત ે ૨૬મી જુલાઈની સવારે જ ૫૦૦૦ મિમિ વરસાદની સપાટી વટાવી દીધી હતી. ઉલ્લેખનીય છે કે વેસ્ટર્ન ઘાટમાં સહ્યાદ્રી રેન્જની ઊંચાઈને કારણે તે મોટાપાયે વરસાદી વાદળોેને આકર્ષે છે. આથી દર વર્ષે અહીં ભારે વરસાદ થાય છે.
તામ્હિણીને મહારાષ્ટ્રને ચેરાપુંજી પણ ગણવામાં આવે છે.બીજી તરફ કેટલાક હવામાનશાસ્ત્રીઓ એવું કહે છે કે વાસ્તવમાં ચેરાપુંજી નહિ પરંતુ તેની નિકટનું ગામ માવસિન્રામ પૃથ્વી પરનું સૌથી વધુ વરસાદ ધરાવતું સ્થળ છે. આ વર્ષે હજુ માવસિન્રામમાં વરસાદમાં ૫૬ ટકાની ઘટ છે. એટલે અત્યારની તારીખે ૨૦૨૫નાં વર્ષમાં તામ્હિણી જ ભારતનું સૌથી વધુ વરસાદ ધરાવતુું સ્થળ હોઈ શકે છે તેવું હવામાનના આંકડા પર નજર રાખનારા અભ્યાસુઓનું અનુમાન છે.
માવસિન્રામમા દર વર્ષે સરેરાશ ૧૧૮૭૨ મિમિ જેટલો વરસાદ નોંધાય છે.








