નાલાસાપોરાની મહિલ પાસે ઠગોએ સહી, અંગૂઠાની છાપ લઈ લીધીે
મહિલાનાં બેન્ક ખાતાં સાથે પોતાનું સિમ કાર્ડ લિન્ક કરી કરોડો રુપિયા ટ્રાન્સફર કરાવી લીધાં ઃ આઠ સામે ફરિયાદ
મુંબઈ - નાલાસોપારાની મહિલાને બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ગયેલી જમીનના વળતર પેટે મળેલા ૨૨ કરોડની ઉચાપત બદલ પેલ્હાર પોલીસે આઠ આરોપીઓ સામે ગુનો દાખલ કર્યો છે.
નાલાસોપારા-વેસ્ટની રહેવાસી માયા ચવ્હાણની મૌરે ગામમાં તેના પિયર પક્ષની જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સંપાદિત કરવામાં આવી હતી. આ બાબતની જાણ થયા પછી, કેટલાક લોકોએ માયા ચવ્હાણને વિવિધ સંમતિ પત્રો, કરારો, સોગંદનામા અને ચેક પર સહી કરવાનું કહી તેમની સહીઓ અને અંગૂઠાની છાપ મેળવી લીધા હતા. આ દસ્તાવેજોના આધારે, સરકાર તરફથી જમીનના વળતર તરીકે માયા ચવ્હાણના ખાતામાં કુલ ૨૨ કરોડ ૩૧ લાખ ૧૧ હજાર ૭૭૪ રૃપિયા જમા કરાવ્યા હતા. ત્યાર બાદ, માયા ચવ્હાણની જાણ વગર, આરોપી ઉમેશ રાણા અને તેના સાથીઓએ તેના નામે એક મોબાઇલ સિમ કાર્ડ લીધું અને તેને માયા ચવ્હાણના બેંક ખાતા સાથે લિંક કરી દીધું હતું. નકલી દસ્તાવેજોના આધારે, તેઓએ આ કરોડોની રકમ પોતાના બેંક ખાતામાં ડાયવર્ટ કરી હતી.
આ છેતરપિંડીનો પર્દાફાશ થયા પછી, માયા ચવ્હાણે પેલ્હાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. તે મુજબ, ઉમેશ રાણા, સંજય જોશી, અસલમ સરોજિયા, વેણુ ગોપાલ (કિરણ) જોશી, વૈકુંઠ પાંડે, સુનીલ (સોનુ) ચૌરસિયા, અરુણ રામસિંહ (તલવાર) અને જાવેદ રફીક અંસારી નામના આઠ લોકો સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ ૩૧૬ (૫), ૩૧૮ (૪) અને ૬૧ (૨) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે જણાવ્યું હતું કે આ મામલે વધુ તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.


