Get The App

મહારાષ્ટ્રમાં 21 હજારથી વધુ ફેક્ટરીઓ પોલ્યુશનના રેડ ઝોનમાં

Updated: Jun 5th, 2026

GS TEAM

Google News
Google News
મહારાષ્ટ્રમાં 21 હજારથી વધુ ફેક્ટરીઓ પોલ્યુશનના રેડ ઝોનમાં 1 - image

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ પાસે પહોંચી વળવા માટે સ્ટાફ  જ નથી

પ્રદૂષણની મહત્તમ સંભાવના ધરાવતા સૌથી વધુ કારખાનાં પુણે ઝોનમાં , થાણે કરતાં કલ્યાણમાં પ્રદૂૂષણકારક ફેક્ટરીઓ બમણી સંખ્યામાં

એમપીસીબીમાં ૪૦ ટકાથી વધુ જગ્યા ખાલી, કારખાનાંની રેગ્યુલર વિઝીટ થતી નથી અને પગલાં લેવાતાં નથી તેવી કેગ દ્વારા ટીકા થઈ હતી

મુંબઈદેશનાં અગ્રણી ઔદ્યોગિક રાજ્યમાં સ્થાન ધરાવતાં મહારાષ્ટ્રમાં ઔદ્યોગિક પ્રદૂષણનું પણ એટલું જ જોખમ છે. રાજ્યમાં પ્રદૂષણની મહત્તમ સંભાવનાની રીતે કારખાનાઓને રેડ, ઓરેન્જ, ગ્રીન અને વ્હાઈટ ઝોનમાં વહેંચવામાં આવ્યાં છે. તેમાંથી રેડ ઝોનમાં આવતી ફેક્ટરીઓની સંખ્યા ૨૧૫૪૦ જેટલી છે. જોકે, કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ દ્વારા ધ્યાન દોરવામાં આવ્યું છે તે રીતે મહારાષ્ટ્ર પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ પાસે આટલી મોટી સંખ્યામાં કારખાનાંઓમાં રેગ્યુલર  વિઝિટ કરવા, કારખાનાંઓ દ્વારા છોડાતાં પ્રદૂષિત પાણી કે વાયુઓ પર સતત નજર રાખવા કે પ્રદૂષણને લગતા નિયમોના ભંગના ઉલ્લંઘન માટે પગલાં લેવા માટે પૂરતો સ્ટાફ જ નથી.

મહારાષ્ટ્રના આર્થિક સર્વેક્ષણમાં અગાઉ ડિસેમ્બર ૨૦૨૫ સુધીના આંકડા અપાયા હતા. તે પ્રમાણે મુંબઈ રિજિયનમાં રેડ કેટેગરીમાં મુકાયેલા ઉદ્યોગોની સંખ્યા ૧૫૬૦ છે. તેમાંથી ૭૦૪ મોટા ઉદ્યોગો છે જ્યારે ૭૯૦ મધ્યમ કક્ષાના ઉદ્યોગો છે. કલ્યાણમાં ૨૬૮૫ ઉદ્યોગો રેડ કેટેગરીમાં છે. તેમાંથી ૨૫૫ મોટા ઉદ્યોગો છે પરંતુ ૨૩૪૦ લઘુ એકમો છે.  ઉલ્લેખનીય છે કે અહીં ડોમ્બિવલી ઉપરાંત અંબરનાથ, બદલાપુર સહિતની ઔદ્યોગિક વસાહતોમાં પ્રદૂષણની વારંવાર ફરિયાદો થતી હોય છે.

જોકે, પોલ્યુશનની સંભાવના ધરાવતા મહત્તમ ઉદ્યોગો પુણે ઝોનમાં છે. અહીં ૫૫૭૨ ઉદ્યોગો રેડ કેટેગરીમાં  છે તેમાંથી મોટા ઉદ્યોગોની સંખ્યા ૨૩૦૯ છે જ્યારે લઘુ એકમોની સંખ્યા ૨૯૪૯  છે.

કેગના જણાવ્યા અનુસાર એમપીસીબીમાં ૪૦ ટકા જેટલા સ્ટાફની ઘટ છે. ફિલ્મડ ઓફિસરોની ૩૫૦ જગ્યાઓ ખાલી છે. પરિણામે ઉદ્યોગોમાં નિયમિત મુલાકાતની જે ટકાવારી જળવાવી જોઈએ તેમાં ૫૩થી ૬૮ ટકાનો શોર્ટફોલ છે. મતલબ કે જેટલી વિઝિટ થવી જોઈએ તેનાથી અડધી સંખ્યામાં પણ વિઝિટ થતી નથી.

કેગ દ્વારા અગાઉ ટીકા કરાઈ હતી તેમ અનેક ઉદ્યોગો દ્વારા બેફામ પ્રદૂષણ છતાં મોનિટરિંગ થતું નથી, પગલાં લેવાતાં નથી. એફલુએન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટસના ૧૨૩૧૯ સેમ્પલમાંથી ૫૦૭૩ સેમ્પલ ફેઈલ ગયાં હતાં છતાં બોર્ડ કોઈ પગલાં લેવામાં નિષ્ફળ રહ્યું હતું. ૧૪ ઉદ્યોગો પ્રદૂષિત એફલુએન્ટ છોડતાં  પકડાયાં  હતાં છતાં કોઈ કાર્યવાહી થઈ ન હતી.