મુંબઈ યુનિ.ના પીએચડીના 200 વિદ્યાર્થીઓને ગાઈડ ફાળવાયા નથી
વહીવટી તંત્રની ધીમી કામગીરીનો શિક્ષક-વિદ્યાર્થીઓને ફટકો
પીએચડી પ્રવેશ પરીક્ષાની માન્યતા એક વર્ષની પરંતુ ઘણાં વિદ્યાર્થીઓ બે-બે વખત પરીક્ષા આપવા છતાં ગાઈડ વિહોણાં
મુંબઈ - મુંબઈ યુનિવર્સિટીમાં પીએચડી પ્રવેશ પરીક્ષા (પેટ) પાસ કરનારા ૨૦૦ થી વધુ વિદ્યાર્થીઓ હજી પણ રીસર્ચ ગાઈડની શોધમાં છે. કારણ મુંબઈ યુનિવર્સિટીએ તેમને હજી ગાઈડ આપ્યા નથી. બીજી તરફ ૨૦૨૪ની શરુઆતથી પીએચડી ગાઈડશીપ માટે અરજી કરનારા ૨૧ પ્રોફેસરોને પણ હજી ગાઈડશીપની મંજૂરી મળી નથી.
મુંબઈ યુનિવર્સિટીની આ કામગીરીના વિલંબને કારણે વિદ્યાર્થીઓ અને શિક્ષકો બંનેને મુશ્કેલી પડી રહી છે. માન્ય માર્ગદર્શકો વિના વિદ્યાર્થીઓ પીએચડી પ્રોગ્રામ માટે રજીસ્ટ્રેશન કરાવી શકતા નથી. ઘણાં વિદ્યાર્થીઓને ડર છે કે જો યુનિવર્સિટી જલ્દી આ સમસ્યાનો ઉકેલ નહીં લાવે તો તેમની પેટ પરીક્ષા નકામી જશે.
પીએચડી પ્રવેશ પરીક્ષાની માન્યતા એક વર્ષ માટેની હોય છે. કેટલાંક વિદ્યાર્થીઓ ૨૦૨૩માં પેટ પાસ થયા હતાં. તેમાંનાં કેટલાંકને ગાઈડ મળ્યાં તો કેટલાંકને હજી ગાઈડ મળ્યા નથી. આથી તેમની એ વર્ષની મહેનત નકામી ગઈ અને ડિસેમ્બર ૨૦૨૪માં પણ તેમને ફરી પરીક્ષા આપવી પડી. તેમાંના એક વિદ્યાર્થીએ જણાવ્યું કે, તેણે પીએચડી પ્રવેશ માટે પ્રસ્તાવ મૂક્યો ત્યારે ગાઈડે પોતાની સલાહ લીધી ન હોવાનું કારણ આગળ કરી વિદ્યાર્થીને પીએચડીમાં પ્રવેશ ન આપ્યો. આથી તેણે ૨૦૨૪માં ફરી બીજીવાર પરીક્ષા આપી. પરંતુ ત્યારબાદ તેને કોઈ ગાઈડ અપાયા જ નથી. આથી હવે ડિસેમ્બર સુધીમાં જો તેને ગાઈડ નહીં મળે તો ફરી આવા વિદ્યાર્થીઓની મહેનત નકામી જશે.
યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી)ના નિયમોનું પાલન કરવા છતાં, ગાઈડશીપ માન્યતા માટેની અરજીઓ પડતર હોવાથી પ્રોફેસરો પણ એટલા જ નારાજ છે. જોકે આ વિલંબ પાછળ શિક્ષકો કે વિદ્યાર્થીઓ જવાબદાર ન હોય વહીવટી ખામીઓ કારણભૂત છે.
યુનિવર્સિટીના એક અધિકારીએ જણાવ્યું હતું કે, યુનિ.ના પીએચડી કોર્સ યુજીસીની માર્ગદર્શિકા મુજબ ચલાવાય છે. તેના નવા નિયમો અનુસાર પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે. તેના પર એક સમિતિ કામ કરી રહી છે. તેઓનો રિપોર્ટ પ્રાપ્ત થયા બાદ તમામ મુદ્દાઓનું નિરાકરણ કરવામાં આવશે.