Mumbai

ઝીશાન સિદ્દીકીની આફિસ પાસેથી 2 શકમંદ યુવક ઝડપાયા

By GS TEAM
27 Jun 20251 min read
ઝીશાન સિદ્દીકીની આફિસ પાસેથી 2 શકમંદ યુવક ઝડપાયા

સિદ્દીકીના સહાયકે પોલીસને જાણ કરી

આર્થિક મુશ્કેલીનો સામનો કરતા હોવાની મદદ મેળવવા આવ્યા હોવાનો યુવકોનો દાવો

મુંબઇ  -  ભૂતપૂર્વ ધારાસભ્ય ઝીશાન સિદ્દીકીની બાંદરાની ઓફિસ પાસે ગુરુવારે રાતે શંકાસ્પદ રીતે ફરતા બે યુવાનને પોલીસે ઝડપી લીધા હતા. 

ગત વર્ષે બાંદરામાં ઓફિસ નજીક જ  ઝીશાનના પિતા અને ભૂતપૂર્વ રાજ્ય પ્રધાન બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.

નિર્મલ નગર પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે બાંદરા સ્થિત ખેરવાડીમાં  ઝીશાન સિદ્દીકીની ઓફિસ છે. ગઇકાલે રાતે બે યુવક ઓફિસ પાસે શંકાસ્પદ રીતે ફરતા જોવા મળ્યા હતા. આથી સિદ્દીકીના એક સહાયકે પોલીસને જાણ કરી હતી. પોલીસે બંનેની અટકાયત કરી પૂછપરછ  હાથ ધરી હતી.

બંને યુવાનો મૂળ સાંગલીની રહેવાસી હતા બંનેએ દાવો કર્યો હતો કે તેઓ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા આથી સિદ્દીકી પાસેથી મદદ મેળવવા માગતા હતા. પોલીસે બંનેની ઝીણવટભરી તપાસ કર્યા બાદ છોડી દીધા હતા.

નોંધનિય છે કે ગયા વર્ષે દશેરાના દિવસે બાંદરામાં ઝીશાનની ઓફિસ નજીક અંધાધૂંધ ગોળીબાર કરીને તેના પિતા બાબા સિદ્દીકીની હત્યા કરાતા ચકચાર જાગી હતી.

ગેગસ્ટર લોરેન્સ બિશ્નોઇ ગેંગે હત્યાની જવાબદારી સ્વિકારી  હતી. અભિનેતા સલમાન ખાન હંમેશા બિશ્નોઇ ગેંગના નિશાન પર છે. સલમાન અને બાબા સિદ્દીકી નજીકના મિત્ર હતા.

આ સિવાય ઝીશાનને પણ ઘણી વખત ધમકી આપવામાં આવી છે આથી પોલીસ સર્તક છે.