બિલ્ડરને આત્મહત્યા માટે મજબૂર કરનારા 2 પોલીસ જવાન ઝડપાયા

નાલાસોપારાના બિલ્ડરે સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું
મુંબઈ - નાલાસોપારાના બિલ્ડર જયપ્રકાશ ચૌહાણની આત્મહત્યાના સંદર્ભમાં બે પોલીસકર્મીઓ સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આત્મહત્યા પહેલાં જયપ્રકાશે લખેલી એક નોટમાં શ્યામ શિંદે અને રાજેશ મહાજનનું નામ લખ્યું હતું અને આ પોલીસ કર્મચારીઓેના ત્રાસથી આત્મહત્યા કરી રહ્યો છું એવું તેમાં લખ્યું હતું. જયપ્રકાશ ચૌહાણે મંગળવારે તેમના નિવાસસ્થાને ગળે ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. પોલીસ કર્મચારીઓ શ્યામ શિંદે અને રાજેશ મહાજને જયપ્રકાશ ચૌહાણને ૫૦ લાખ રૃપિયાની લોન આપી હતી. તે લોન ચૂકવવા માટે આ બન્ને ચૌહાણને માનસિક ત્રાસ આપી રહ્યા હોવાનો આરોપ કરવામાં આવ્યો હતો
તપાસમાં જાણવા મળ્યું હતું કે નાલાસોપારા-ઈસ્ટમાં સંયુક્ત નગરમાં આવેલી ઓમ શ્રી દર્શન ઇમારતને પુનવકાસ માટે જયપ્રકાશ ચૌહાણે લીધી હતી. શ્યામ શિંદેએ બાંધકામ માટે ૫૦ લાખ રૃપિયા ચૂકવ્યા હતા. તેમને એક વર્ષમાં બમણી રકમ મળવાની હતી. તેમણે જામીનગીરી તરીકે ચાર ફ્લેટનો કબજો પણ લીધો હતો. જો કે, ઇમારતના બાંધકામમાં એક વર્ષથી વધુ સમય લાગ્યો હોવાથી, પોલીસ કોન્સ્ટેબલ શ્યામ શિંદે અને તેમના સાથી રાજેશ મહાજન તેમજ મધ્યસ્થી લાલા લાજપતે સ્વર્ગસ્થ જયપ્રકાશ ચૌહાણ પર પૈસા માટે દબાણ કર્યું હતું. જયપ્રકાશે કુલ ૨૨ લાખ રૃપિયા ઓનલાઈન અને ૧૦ લાખ રૃપિયા રોકડા ચૂકવ્યા હતા, જે કુલ ૩૨ લાખ રૃપિયા થાય છે. જો કે, બાકીની રકમ માટે તે ત્રણેય તેને હેરાન કરી રહ્યા હતા. ચૌહાણ પરિવારે દાવો કર્યો હતો કે શ્યામ શિંદેએ તેમને ધમકી આપી હતી કે આ મકાન હવે અમારી છે, તેને છોડી દો, નહીં તો તેમને ખોટા કેસમાં ફસાવી દેવામાં આવશે.
. આચોલે પોલીસે આત્મહત્યા માટે ઉશ્કેરણી કરવાના આરોપસર ભારતીય દંડ સંહિતાની કલમ ૧૦૮, ૩૫૧ (૨), ૩૫૨ અને ૩ (૫) હેઠળ શ્યામ શિંદે, રાજેશ મહાજન અને લાલા લાજપત નામના ત્રણ લોકોની ધરપકડ કરી છે. બુધવારે બપોરે આ ત્રણેયને વસઈ સેશન્સ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને પાંચ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યા હતા.
બંને પોલીસજવાનોનો ભૂતકાળ વિવાદાસ્પદઃસસ્પેન્ડ કરાયા
બે પોલીસ કર્મચારીઓ શ્યામ શિંદે અને રાજેશ મહાજનની કારકિર્દી શરૃઆતથી જ વિવાદાસ્પદ રહી છે. વસઈ- વિરાર પોલીસ સ્ટેશનમાં શ્યામ શિંદે અનૈતિક માનવ તસ્કરી નિવારણ શાખામાં કાર્યરત છે અને રાજેશ મહાજન આથક ગુના શાખામાં કાર્યરત છે. વિરારની એક કહોટેલમાં તેમની ભાગીદારીની ચર્ચા છે. ભુતપૂર્વ પોલીસ કમિશનર મંજુનાથ સિંઘેએ બંનેની બદલી કરી હતી. જો કે, તેઓ થોડા સમયમાં પોતાના સ્થાને ગોઠવાઈ ગયા હતા. શિંદે અને મહાજન બંનેને સેવામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એમ ઝોન ૨ના ડેપ્યુટી પોલીસ કમિશનર પૂણમા ચૌગુલે-શ્રિંગીએ માહિતી આપી હતી.








