નાગપુરના ખાનગી કોચિંગ ચાલકનું કાવતરું
વારંવાર બાથરુમ જતી વિદ્યાર્થિનીની તપાસ કરાતાં મોબાઈલમાંથી પેપર ફોડનારું ગુ્રપ મળ્યુંં
મુંબઈ - નાગપુરમાં ધો.૧૨ની સાયન્સ શાખાની બોર્ડ પરીક્ષાના ફિઝીક્સ અને કેમેસ્ટ્રી એમ બે પેપર પરીક્ષાના કલાક પહેલાં જ વૉટ્સએપ પર ફરતાં થયાં હોવાની માહિતી સામે આવી છે.
નાગપુરના સેંટ ઉર્સુલા પરીક્ષા કેન્દ્ર પર આ ઘટના પ્રકાશ પામી છે. વૉટ્સએપ ગુ્રપ તૈયાર કરી પેપર ફોડવાનો પ્રયાસ ચાલી રહ્યો હોવાનું પોલીસને જણાયું હતું. ગુરુવારે ધો.૧૨નું કેમેસ્ટ્રીનું પેપર હતું. પરંતુ પરીક્ષા પહેલાં જ પેપર વિદ્યાર્થીઓના ગુ્રપ પર આવી ગયાનું જણાયું હતું. ઉક્ત કેન્દ્ર પર એક વિદ્યાર્થિની વારંવાર બાથરુમ જતી હતી. આથી કેન્દ્ર પરના પરીક્ષકને શંકા જતાં શિક્ષિકાના માધ્યમે તેની તપાસ કરાતાં તેની પાસેથી એક સ્માર્ટફોન પકડાયો હતો. જેના એક ગુ્રપમાં પરીક્ષા પહેલાં પેપર આવી ગયાનું જણાયું હતું.
કેન્દ્ર પ્રમુખે પોલીસને આ બાબતે માહિતી આપતાં પોલીસે તપાસ કરી આ પ્રકરણે ગુનો નોંધ્યો હતો. મોબાઈલમાં ૧૫ વિદ્યાર્થીઓનું એક ગુ્રપ તૈયાર કરાયું હતું. તેમાં બે વિદ્યાર્થીઓની તપાસ કરતાં ખાનગી કોચિંગના શિક્ષકે પૈસાં લઈ પેપર ફોડયાની માહિતી મળી હતી. જોકે તે સમયે અન્ય ૧૩ વિદ્યાર્થીઓ શહેરના વિવિધ પરીક્ષા કેન્દ્રોએ પરીક્ષા આપી રહ્યા હતા.
આ બાબતે પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


