Mumbai

કાંદિવલી અગ્નિકાંડમાં સંચાલિકા શિવાની ગાંધી સહિત વધુ 2 મહિલાનાં મોત

By GS TEAM
30 Sep 20252 mins read
કાંદિવલી અગ્નિકાંડમાં સંચાલિકા શિવાની ગાંધી સહિત વધુ  2 મહિલાનાં મોત

ગૃહ ઉદ્યોગમાં આગની દુર્ઘટનામાં કુલ ચાર મહિલાનાં મોત

વધુ બે મહિલાની હાલત ગંભીરઃ  પુરુષ રસોઈયાની હાલત સુધારા પરઃ દુકાન માલિક તથા શિવાની બહેન સામે   ગુનો નોંધાયો

મુંબઈ -  કાંદિવલી પૂર્વના આકુર્લી રોડ પર ગઈ તા. ૨૪મી સપ્ટેમ્બરે એક ગૃહ ઉદ્યોગ એકમમાં લાગેલી આગમાં દાઝેલી વધુ બે મહિલાનાં મોત થતાં આ અગ્નિકાંડમાં કુલ મૃત્યુઆંક ચાર થયો છે. અગાઉ અન્ય બે મહિલાનાં પણ સારવાર દરમિયાન મોત થયાં હતાં. 

શિવાની ગૃહ ઉદ્યોગનાં સંચાલિકા ૫૩ વર્ષીય શિવાની ગાંધીએ પણ મોત સામે ઝઝૂમ્યા બાદ આખરે શરણાગતિ સ્વીકારી હતી. તેઓ અનેક મહિલાઓને કામ પૂરું પાડીને તેમના પરિવારનું ગુજરાન ચલાવવામાં મદદ કરતા હતા. પરંતુ દુર્ઘટના બાદ તેમની જ દીકરીને સારવારના ખર્ચ માટે આથક મદદની અપીલ  કરવી પડી હતી.  બીજી ગુજરાતી મહિલા રેખા જોષી (૪૭)નું પણ રવિવારે સવારે અવસાન થયું હતું.  તેઓ પોતાના ઘરની એકમાત્ર આધાર સ્તંભ હતા. રવિવારે બપોરે પૂનમ પુતાણી (૨૮) અને રાત્રે નીતુ ગુપ્તા (૩૦)ના મોત નિપજતાંઆ દુર્ઘટનામાં ચાર મહિલાઓના મૃત્યુ થયા છે.

         નવી મુંબઈમાં દુર્ગાવતી ગુપ્તા (૩૫) અને જાનકી ગુપ્તા (૪૩)ની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલના  મેડિકલ ડાયરેક્ટર ડા. કેસવાનીએ જણાવ્યું કે, બંનેની સ્થિતિ અત્યંત નાજુક છે. ઈજાગ્રસ્તોમાં એકમાત્ર માના રામ (૫૬) હાલ ખતરાથી બહાર છે. સમતાનગર પોલીસના સિનિયર અધિકારી જયંત શિંદેએ જણાવ્યું કે, આ ઘટનામાં ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૧૨૫, ૨૮૭ અને ૨૨૩ (૩)(૫) હેઠળ ગુનો નોંધાયો છે. દુકાનના માલિક યોગેન્દ્ર મિી તથા શિવાની ગાંધી સામે ગુનો દાખલ થયો છે. જોકે, શિવાની ગાંધીનું મોત થવાથી આગળની કાર્યવાહી ફાયર બ્રિગેડના અહેવાલના આધારે થશે.

રિક્ષાચાલક પતિનાં મોત બાદ રેખા બહેને આર્થિક જવાબાદારી વેઠી હતી

રાજકોટ જિલ્લાના ધ્રોલના વતની અને હાલ કાંદિવલી-ઈસ્ટમાં રહેતા ઝાલાવાડી ઔદિચ્ય બ્રાહ્મણ રેખા જોષીના પતિ મુકેશ જોષી રીક્ષા ચલાવતા હતા અને ચાર વર્ષ પહેલા કોરોનામાં મોત પામ્યા હતા. દીકરીનું દસ વર્ષ પહેલા લગ્ન થઈ ગયાં છે, જ્યારે દીકરો હિત જોષી (૧૮) હેમોફીલિયા રોગથી પીડિત છે. પરિવારની આથક જરૃરિયાત માટે રેખાબેન છેલ્લા ત્રણ વર્ષથી શિવાની ગુહ ઉદ્યોગમાં કામ કરતા હતા, જ્યાં તેમને કલાકે ૫૦ રૃપિયા મળતા. તેમની અચાનક મોતથી જોષી પરિવારમાં શોકની લાગણી ફેલાઈ છે.

શિવાની બહેને અનેક મહિલાઓને રોજગારી પૂરી પાડી

શિવાની ગાંધી છેલ્લા ૧૨ વર્ષથી ગુહ ઉદ્યોગ ચલાવતા હતા અને અનેક બહેનોને કામ પૂરુ પાડતા હતા. જરૃરીયાતમંદ બહેનોને ધામક પ્રવાસે પોતાના ખર્ચે સાથે લઇ જનાર શિવાની બહેનના મૃત્યુથી તેમના પરિવારે બે દીકરીઓનો આધાર ગુમાવ્યો છે. હાલ ઈજાગ્રસ્તોની સારવાર માટે તેમના પરિવાર દ્વારા આથક મદદની અપીલ કરવામાં આવી છે. આ દુર્ઘટનાએ માત્ર ચાર મહિલાઓના જીવનનો અંત લાવ્યો નથી, પરંતુ અનેક પરિવારોના ભવિષ્ય પર પણ કાળો પડછાયો પાથરી દીધો છે.