Mumbai

ભાયખલામાં બાંધકામ દરમિયાન દુર્ઘટનામાં 2 મજૂરોના મોત, 3 ઘાયલ

By GS TEAM
16 Nov 20251 min read
ભાયખલામાં બાંધકામ દરમિયાન દુર્ઘટનામાં 2 મજૂરોના મોત, 3 ઘાયલ

બિલ્ડિંગના પાયાના કામ દરમિયાન માટી, કાદવ ધસી પડતા મજૂરો દટાયા

મુંબઇ  -  ભાયખલામાં એક ઇમારતના બાંધકામ વખતે મોટો અકસ્માત થયો છે. બિલ્ડિંગના પાયાના કામ વખતે માટી-કાદવનો મોટો ઢગલો ધસી પડતા બે કામદારના મોત થયા હતા અને અન્ય ત્રણને ઇજા થઇ હતી, એમ પાલિકા અધિકારીએ જણાવ્યું હતું.

બાંધકામના સ્થળ પર કામદારોની સલામતીનું ધ્યાન કેમ રાખવામાં આવ્યું ન હતું એવી લોકોમાં ચર્ચા થઇ રહી છે. લોકોએ બનાવની તપાસની માગણી કરી હતી. હવે આ મામલામાં પોલીસની કાર્યવાહી સામે લોકોની નજર છે.

ભાયખલા (પશ્ચિમ)ના હંસ રોડ પર હબીબ મેન્શનમાં આજે બપોરે ૨.૪૧ વાગ્યે આ ઘટના બની હતી. અહીં બિલ્ડિંગના પાઇલિંગ માટે ખોદકામ કરવામાં આવી રહ્યું હતું. આ કામ કરતી વખતે માટી-કાદવનો ઢગલો  ધસી પડતા પાંચ કામદારો દબાઇ ગયા હતા. અહીં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી રાહુલ (ઉ.વ.૩૦), રાજું (ઉ.વ.૨૮), સજ્જાદ અલી (ઉ.વ.૨૫), સોબત અલી (ઉ.વ.૨૮), લાલ મોહમ્મદ (ઉ.વ.૧૮) ને કાટમાળ નીચેથી બહાર કાઢીને હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. પરંતુ રાહુલ અને રાજુનું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ મજૂરને સારવાર આપવામાં આવી રહી હતી. તેમની હાલત સ્થિર હોવાનું  જાણવા મળ્યું છે.

બાંધકામના સ્થળે કામદારોની સુરક્ષા માટે જરૃરી પગલાં ભરવામાં આવ્યા ન હોવાનું કહેવાય છે.