Get The App

દિવા રેલવે ફાટક પાસે ટ્રેનની અડફેટે 2ના મોત : મહિલા ગંભીર જખમી

Updated: Jun 2nd, 2022

GS TEAM

Google News
Google News
દિવા રેલવે ફાટક પાસે ટ્રેનની અડફેટે 2ના મોત : મહિલા ગંભીર જખમી 1 - image


પ્રવાસી સંગઠને આપી આંદોલનની ચેતવણી

દિવાની 90 ટકા વસતી પૂર્વમાં અને ટિકિટબારી પશ્ચિમમાં એટલે પાટા ઓળંગી ટિકિટ લેવા જતા અવારનવાર અકસ્માત

મુંબઇ :  થાણે નજીક દિવા સ્ટેશનના રેલવે ફાટક પાસે ધસમસતી લોકલની અડફેટે આવતા બે જણ મોતને ભેટયા હતા. જ્યારે એક મહિલા ગંભીર રીતે ઘાયલ થઇ હતી. ગઇ કાલે સવારે આઠ વાગ્યાના સુમારે એક મહિલા અને પુરુષના ક્ષતવિક્ષત થયેલા મૃતદેહ તેમજ લોહી લુહાણ દશામાં જખમી સ્ત્રીને પડેલી જોઇને આ વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

દિવા ફાટક પાસે પાટા ઓળંગવા જતા દીપક સાવંત (૨૬) અને ગીતા શિંદે (૩૫) માર્યા ગયા હતા. જ્યારે મહાદેવી જાધવ નામની મહિલા ગંભીર રીતે ઘાયલ થઇ હતી. તરત જ તેને દિવાની ખાનગી હોસ્પિટલમાં લઇ જવામાં આવી હતી.

દિવામાં ૯૦ ટકા વસતી પૂર્વમાં રહે છે જ્યારે ટિકિટ બારી પશ્ચિમમાં છે. એટલે મોટા ભાગના પ્રવાસીઓ ટિકિટ કઢાવવા માટે પુલ ચડીને જવાને બદલે પાટા ઓળંગીને જાય છે. પરિણામે ફાટક પાસે અવારનવાર અકસ્માત થાય છે.

દિવા પ્રવાસી સંગઠનના અધ્યક્ષ આદેશ ભગતે આ અકસ્માત સંદર્ભે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે દિવા સ્ટેશનના પુલ પર એક્સેલેટર બેસાડવામાં આવે અને દિવા પૂર્વમાં પુલ ઉતરવાનો જે દાદરો છે તે પહોળો કરવામાં આવે એવી અમારી લાંબા સમયની માગણી છે. રેલવે પ્રશાસન આ માગણી કાને નહી ધરે અને આ રીતના અકસ્માતો થતા રહેશે તો ઉશ્કેરાયેલા પ્રવાસીઓના આંદોલનનો સામનો કરવો પડશે.


Tags :