Mumbai

2 ડોક્ટરોએ જ 1 ડોકટર યુગલની પુત્રીને મેડિકલમાં પ્રવેશના નામે 70 લાખ પડાવ્યા

By GS TEAM
24 Sep 20253 mins read
2 ડોક્ટરોએ જ 1 ડોકટર યુગલની પુત્રીને મેડિકલમાં પ્રવેશના નામે 70 લાખ પડાવ્યા

સાયનની તિલક મેડિકલ કોલેજના બે તબીબો સામે ફરિયાદ

મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશના નામે એક કરોડ માગ્યા બાદ ૭૦ લાખમાં સોદો થયોઃ કોવિડ કાળની છેતરપિંડી વખતે દુર્ઘટના

મુંબઈ -  મુંબઈની એક મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં મેનેજમેન્ટ ક્વોટા હેઠળ એમબીબીએસ કોર્સમાં પ્રવેશ આપવાનું વચન આપી એક સિનિયર ડૉક્ટર સાથે ૭૦ લાખ રૃપિયાની છેતરપિંડી કરવાના આરોપસર બે ડૉક્ટર સહિત ચાર લોકો સામે સાયન પોલીસ મથકમાં ગુનો નોંધવામાં આવ્યો છે. આ બાબતે એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ લોકોએ સિનિયર ડૉક્ટરની પુત્રીને મેનેજમેન્ટ ક્વોટા હેઠળ એડમિશન અપાવવાનો વાયદો કરી ઠગાઈ આચરી હતી.

આ બાબતે સાયન પોલીસ મથકના એક અધિકારીના જણાવ્યા અનુસાર આરોપીઓની ઓળખ સાયનની લોકમાન્ય તિલક મ્યુનિસિપલ મેડિકલ કોલેજ અને જનરલ હોસ્પિટલમાં કાર્યરત ડૉક્ટર રાકેશ રામનારાયણ બર્મા, ડૉક્ટર અખિલેશ કુમાર રામમૂર્ત પાલ અને અન્ય  બે વ્યક્તિ લવ અવધકિશોર ગુપ્તા અને ક્રુશ ગુપ્તા તરીકે થઈ છે. તેમણે જણાવ્યું હતું કે કોવિડ મહામારીના સમયે થયેલી આ છેતરપિંડીના કેસમાં ચારેયને ટૂંક સમયમાં પૂછપરછ માટે બોલાવવામાં આવશે.

ફરિયાદી ૬૧ વર્ષીય ડૉક્ટર તેમની પત્ની અને પુત્રી સાથે સાયનમાં રહે છે. ફરિયાદી અને તેમના પત્ની બન્ને ડૉક્ટર તરીકે પ્રેક્ટિસ કરે છે. આ બન્ને સાયન નજીક ધારાવીમાં એક ક્લિનિક ચલાવે છે. પાંચ વર્ષ પહેલા નીટ હેઠળ પ્રવેશ મેળવવામાં નિષ્ફળ ગયા બાદ તેમની પુત્રી મેનેજમેન્ટ ક્વોટા હેઠળ મેડિકલમાં પ્રવેશની શક્યતા શોધી રહી હતી પણ કોઈ સફળતા મળી રહી નહોતી. ત્યારે ફરિયાદી આ ડૉક્ટરોના સંપર્કમાં આવ્યા હતા અને તેમણે ફરિયાદીની પુત્રીને એલટીએમ મેડિકલ કોલેજમાં મેનેજમેન્ટ ક્વોટા હેઠળ પ્રવેશ મેળવી આપવાનો વાયદો કર્યો હતો.

ત્યારબાદ સાયનની એક હોટલમાં થયેલી મીટિંગમાં ડૉ.પાલે એક કરોડ રૃપિયાની માંગણી કરી હતી. જ્યારે ફરિયાદીએ આટલી મોટી રકમ ચૂકવવામાં અસમર્થતા વ્યક્ત કરી ત્યારે તેમનો પરિચય લવ ગુપ્તા સાથે કરાવવામાં આવ્યો હતો. ત્યારબાદ એડમિશન માટે ૭૦ લાખ રૃપિયામાં સોદો નક્કી કરવામાં આવ્યો હતો. સપ્ટેમ્બર ૨૦૨૦ અને ફેબુ્રઆરી ૨૦૨૧ની વચ્ચે ફરિયાદીએ  આરોપીના નિર્દેશો પર નવીમુંબઈની બેલાપુર સ્થિત એક ઓફિસમાં હપ્તામાં આ રકમ ચૂકવી દીધી હતી. થોડા દિવસો બાદ ફરિયાદીને એક ઈમેલ મળ્યો હતો. (જે પાછળથી નકલી હોવાનું બહાર આવ્યુ ંહતું) જેમા તેમની પુત્રીને પ્રતિષ્ઠિત કોલેજમાં એડમિશન મળ્યું હોવાની પુષ્ટિ કરવામાં આવી હતી. આરોપીએ માર્ચ ૨૦૨૧માં બનાવટી પ્રવેશપત્ર પૂરો પાડયો હતો. ત્યારબાદ ફરિયાદીની પુત્રીએ (કોરોનાના રોગચાળાને ધ્યાનમાં રાખી) કથિત ઓનલાીન લેક્ચરમાં હાજરી આપવાનું શરૃ કર્યું હતું. જો કે ઓડિયો દ્વારા સંચાલિત વર્ગોમાં ફક્ત પાંચ વિદ્યાર્થીઓ જ હાજર રહેતા હતા. ફરિયાદીને પુત્રીને ત્યારબાદ શંકા ગઈ હતી.

ફરિયાદીએ જ્યારે એલટીએમ મેડિકલ કોલેજના ડીનનો સંપર્ક કર્યો ત્યારે છેતરપિંડીનો મામલો પ્રકાશમાં આવ્યો હતો. તેમણે પુષ્ટિ કરી હતી કે આવો કોઈ પ્રવેશ જ થયો નથી. અને પ્રવેશ પત્ર પણ બોગસ હતું. છેતરપિંડીની જાણ થતા ફરિયાદીએ તેમના પૈસા પાછા માગ્યા હતા. પરંતુ આરોપીઓએ તેમની વારંવારની વિનંતીઓને અવગણી હતી અને પૈસા પાછા ન આપતા અંતે આ બાબતે સાયન પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી હતી અને એફઆઈઆર નોંધાઈ હતી.