Get The App

1 કરોડના સાયબર ફ્રોડમાં પોતાનાં બેન્ક ખાતાં વાપરવા આપનારા 2 ઝડપાયા

Updated: Dec 17th, 2025

GS TEAM

Google News
Google News
1 કરોડના સાયબર ફ્રોડમાં પોતાનાં બેન્ક ખાતાં વાપરવા આપનારા 2 ઝડપાયા 1 - image

ઠગાઈની જાણ છતાં ઉચ્ચ કમિશનની લાલચમાં બેન્ક ખાતાં આપ્યાં

કલાનગરના બિલ્ડરને સોશિય મીડિયા થકી મળેલી મહિલાએ ફોરેક્સ ટ્રેડિંગમાં ઉચ્ચ વળતરની લાલચ આપી પૈસા પડાવ્યા હતા

મુંબઈ-  સાયબર પોલીસે ફોરેક્સ ટ્રેડિંગના બહાને એક બિલ્ડર સાથે લગભગ રૃ.એક કરોડની છેતરપિંડી કરવાના આરોપમાં બે લોકોની ધરપકડ કરી છે.પોલીસનો આરોપ છે કે આ બંનેએ સાયબર ટોળકીને છેતરપિંડીની રકમ જમા કરવા  પોતાના  બેંક ખાતાની વિગતો આપી હતી.આ મામલાની વધુ તપાસ ચાલુ છે.

ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ સમીર પાસંકર અને અખિલ શેખ તરીકે થઈ છે.બંને હાલમાં પોલીસ કસ્ટડીમાં છે.

 પોલીસના જણાવ્યા અનુસાર ફરિયાદી ૬૫ વર્ષીય બિલ્ડર છે અને પોતાના પરિવાર સાથે કલા નગર વિસ્તારમાં રહે છે.. જૂન ૨૦૨૫માં તેમને સોશિયલ મીડિયા પર એક મહિલા તરફથી ફ્રેન્ડ રિક્વેસ્ટ મળી હતી.તેણે પોતાની ઓળખ  આરાધ્યા સિંહ તરીકે આપી હતી.બિલ્ડરે ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી હતી. ત્યારબાદ બંને સંપર્કમાં રહ્યા હતા.

મહિલાએ વાતચીત દરમિયાન દાવો કર્યો કે તે શિપિંગ વ્યવસાયમાં સંકળાયેલી છે અને નવી મુંબઈના સીબીડી વિસ્તારમાં રહે છે.ત્યાં ખાનગી ઓફિસ છે.દિલ્હીમાં એક ઘર અને ઓફિસ હોવાનો પણ આરાધ્યાએ દાવો કર્યો હતો.

 બાદમાં મહિલાએ ફરિયાદીને ફોરેક્સ ટ્રેડિંગની માહિતી અને ઊંચા વળતરની ખાતરી આપી હતી.તેણે ધીમે ધીમે બિલ્ડરનો વિશ્વાસ મેળવ્યો હતો.તેની સલાહ પર બિલ્ડર રોકાણ કરવા સંમત થયા હતા.તેમને એક લિંક મોકલવામાં આવી હતી. એમાં વૃધ્ધએ  મોબાઇલ નંબર અને બેંક ખાતાની માહિતી સહિત વ્યક્તિગત વિગતો અપલોડ કરી હતી. ત્યારબાદ તેમને  યુઝર આઈડી અને પાસવર્ડ આપવામાં આવ્યો હતો.

૨૨ ઓગસ્ટ અને ૧૭ ઓક્ટોબર ૨૦૨૫ની વચ્ચે ફરિયાદીએ ઉપરોક્ત ખાતા દ્વારા કુલ રૃ.૧.૦૨  કરોડનું રોકાણ કર્યું હતું. ફોરેક્સ ટ્રેડિંગ એપ્લિકેશન તેમનું રોકાણ નફા સહિત યુએસડી ૬૬૯,૧૦૫.૫૦ સુધી વધી ગયું હોવાનું દર્શાવતું હતું.

 જોકે  ફરિયાદીએ રકમ તેમના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કર્યો ત્યારે વ્યવહાર નિષ્ફળ ગયો હતો. તેમણે આરાધ્યા સિંહનો સંપર્ક કર્યો હતો.તેણે જણાવ્યું હતું કે તેમણે  પહેલા ટેક્સ તરીકે મોટી રકમ ચૂકવવી પડશે, નહીં તો મુખ્ય રકમ કે નફો ચૂકવવામાં આવશે નહીં.ફરિયાદીએ ટેક્સની રકમની ચૂકવણી કરવામાં અસમર્થતા વ્યક્ત કરી હતી.ત્યારે આરાધ્યાએ આખરે જવાબ આપવાનું બંધ કરી દીધું અને નંબર  બ્લોક કરી દીધો હતો.

છેતરપિંડીની શંકા જતા બિલ્ડરે  સાયબર પોલીસનો સંપર્ક કર્યો હતો, જેના પગલે આરાધ્યા સિંહ અને અન્ય અજાણ્યા વ્યક્તિઓ સામે છેતરપિંડી અને આઇટી એક્ટની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

 જે બેંક ખાતાઓમાં છેતરપિંડીના  પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા તે બેંક ખાતાઓની માહિતી પોલીસે મેળવી હતી.પોલીસે ટેકનિકલ વિશ્લેષણના આધારે શંકાસ્પદ સમીર પાસંકર અને અખિલ શેખની પૂછપરછ માટે ધરપકડ કરી હતી.પોલીસને તપાસમાં જાણવા મળ્યું કે છેતરપિંડીની રકમ તેમના બેંક ખાતાઓમાં જમા કરવામાં આવી હતી અને બાદમાં સાયબર છેતરપિંડી કરનારાઓને ટ્રાન્સફર કરવામાં આવી હતી.એના બદલામાં તેમને કથિત રીતે નિશ્ચિત કમિશન મળ્યું હતું.

   પોલીસે વધુમાં જણાવ્યું હતું કે બંને આરોપીઓ સાયબર ગુનેગારોના સંપર્કમાં હતા અને છેતરપિંડી માટે જાણી જોઈને તેમના બેંક ખાતાની વિગતો શેર કરી હતી. આ રેકેટની વધુ તપાસ ચાલુ છે.