10 વર્ષથી જેલમાં રહેલા બેસ્ટ બેકરી કેસના 2 આરોપી નિર્દોષ
વડોદરાના 2002ના ચકચારી કેસમાં ચુકાદો
હર્ષદ સોલંકી તથા મફત ગોહિલેને તત્કાળ છોડી મૂકવા મુંબઈની સીબીઆઈ કોર્ટનો આદેશ
મુંબઈ : ગુજરાતમાં ૨૦૦૨માં થયેલી કોમી રમખાણ સંબંધી બેસ્ટ બેકરી કેસમાં પકડાયેલા આરોપી હર્ષદ સોલંકી અને મફત ગોહિલને વિશેષ કોર્ટે મંગળવારે દોષમુક્ત જાહેર કર્યા છે. વિશેષ સીબીઆઈ જજ એમ. જી. દેશપાંડેએ બંને આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા અને તેમને તાત્કાલિક છોડી મૂકવાનો આદેશ આપ્યો છે.
વડોદરામાં આવેલી બેકરીને ૨૦૦૨માં ગુજરાત રમખાણ દરમ્યાન ઉશ્કેરાયેલા ટોળાએ બાકી મૂકી હતી. આ ઘટનામાં ૧૪ જણના મોત થયા હતા. બેકરી માલિકની પુત્રી ઝાહીરા શેખે ૨૧ જણ સામે ફરિયાદ નોંધાવી હતી.
સ્થાનિક પોલીસે વડોદરાની ફાસ્ટટ્રેક કોર્ટમાં તમામ આરોપીઓ સામે કેસ ચલાવ્યો હતો. જૂન ૨૦૦૩માં ૧૯ જણને પુરાવાના અભાવે છોડી મૂકાયા હતા જ્યારે ફરિયાદી સહિત મુખ્ય સાક્ષીદાર ફરી ગયા હતા. બાકીના બે આરોપી સોલંકી અને ગોહિલને પણ હવે મુક્ત કરાયા છે.બંને જણ દસ વર્ષથી જેલમાં હતા. ૧૩ ડિસેમ્બર ૨૦૧૩ના રોજ તેમને અદાલતી કસ્ટડી અપાઈ હતી.
સામાજિક કાર્યકર્તા તિસ્તા સેતલવડની મદદથી ઝાહીરાએ ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. સુપ્રીમ કોર્ટે આ કેસ ફરી ચલાવવાનો અને ગુજરાત બહાર ચલાવવાનો નિર્દેશ આપીને મુંબઈમા ંસોંપાયો હતો.
વડોદરા કોર્ટે ફરાર જાહેર કરેલા સોલંકી અને ગોહિલ સહિત અન્ય બે જણને પોલીસે અજમેર બ્લાસ્ટ પ્રકરણે પકડયા હતા. મુંબઈમાં ચાલી રહેલા કેસમા ંબેનેને ફરાર જાહેર કરાયા હતા. કોર્ટે ૨૧માંથી નવને દોષિત ઠેરવીને જન્મટીપ સંભળાવી હતી. આઠ આરોપીને નિર્દોષ મુક્ત કરાયા હતા. આ ચુકાદો આવે ત્યાં સુધી અનેક આરોપીના મોત થયા હતા. ૨૦૧૨માં જન્મટીપની સજા થયેલા નવ જણમાંથી પાંચ જણને મુક્ત કરાયા હતા. ૨૦૧૩માં પકડાયેલા ચારમાંથી બે આરોપીના મોત થયા હતા. બાકીના બે સોલંકી અને ગોહિલ દસ વર્ષથી જેલમાં હતા.