ફોરેસ્ટ વોક વે પર 7 માસમાં 2.98 લાખ મુલાકાતીઃ 72 લાખની આવક

મલબાર હિલનો વોક વે મુંબઈગરાંમાં લોકપ્રિય બની ગયો
મુંબઇ - લીલી વનરાજી, ચોપાટી અને પક્ષીદર્શનનો લ્હાવો મળતો હોવાથી પહેલાં જ દિવસથી શહેરીજનોની પસંદગીમાં ઊતર્યું 'વૉક વે'
મુંબઈ મહાપાલિકાએ સાત મહિના પહેલાં ગુડીપડવાને દિવસે મલબાર હિલ પરિસરમાં નિસર્ગ રમ્ય 'વૉક વે' શરુ કર્યો છે. રાણીબાગ બાદ એ મુંબઈગરાંની પસંદગીનું બીજું માનીતું સ્થળ બન્યું છે. દિવાળીની રજાઓમાં પણ શહેરીજનોએ સારી સંખ્યામાં અહીંની મુલાકાત લીધી હતી. આ વૉકવે ખુલ્લો મુકાયો ત્યારથી અત્યારસુધીમાં ૨.૯૮ લાખ લોકોએ તેની મુલાકાત લેતાં પાલિકાની તિજોરીમાં ૭૨ લાખ રુપિયાની આવક ઊભી કરાવી છે.
કમલા નહેરુ ઉદ્યાન અને ફિરોજશાહ મહેતા ઉદ્યાનમાં મે મહિનાની રજામાં અને જુલાઈમાં લીલી વનરાજી જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટયા હતા. પાલિકાને તેના થકી ૭૨ લાખથી વધુની આવક પ્રાપ્ત થઈ છે. સિંગાપુર સ્થિત 'ટ્રી ટોપ વૉક' થી પ્રેરાઈને આ એલિવેટેડ વૉક વે મુંબઈમાં પહેલીવાર બનાવાયો છે. મહાપાલિકાના 'ડી' વોર્ડ અંતર્ગત ફિરોજશાહ મહેતા ઉદ્યાન અને કમલા નહેરુ પાર્ક ખાતે વોટર એન્જિનીયરીંગ ડિપાર્ટમેન્ટે આ પ્રોજેક્ટ વિકસિત કર્યો છે.
દરરોજ સવારે પાંચથી રાત્રે ૯ વાગ્યા સુધી આ વૉક વે ખુલ્લો હોય છે. આ એલિવેટેડ રોડ માટે ભારતીયો પાસેથી ૨૫ રુપિયા તો વિદેશી પર્યટકો પાસેથી ૧૦૦ રુપિયા પ્રવેશ ફી લેવાય છે. ૪૮૫ મીટર લાંબા અને ૨.૪ મીટર પહોળા આ માર્ગથી પસાર થતાં સમુદ્રના ઉત્તમ દ્રશ્યો, લીલી વનરાજી અને વિવિધ પક્ષીઓનાં દર્શનનો આનંદ માણી શકાય છે. દરમ્યાન પર્યટકોને પૂર્વપરવાનગી વિના અહીં શૂટિંગ કરવા પર બંદી છે. આથી તેના થકી પણ પાલિકા કમાણી કરી રહી છે.









