Get The App

26 મેના રોજ 1લું મેરિટ લિસ્ટ જાહેર કરાશે, કુલ 5 પ્રવેશ રાઉન્ડ થશે

Updated: May 10th, 2026

GS TEAM

Google News
Google News
26 મેના રોજ 1લું મેરિટ લિસ્ટ જાહેર કરાશે, કુલ 5 પ્રવેશ રાઉન્ડ થશે 1 - image

ધો.૧૧ની પ્રવેશ પ્રક્રિયાનું ટાઈમટેબલ જાહેર

સોમવારથી એડમિશન ફોર્મનો બીજો ભાગ ભરી શકાશે, અત્યાર સુધીમાં ૭.૯૭ લાખ ફોર્મ ભરાયાં

મુંબઇ - ધો.૧૦નું પરિણામ જાહેર થતાં જ ધો.૧૧ની પ્રવેશ પ્રક્રિયાનું ટાઈમટેબલ પણ જાહેર કરી દેવાયું છે. તે મુજબ વિદ્યાર્થીઓ ધો.૧૧ના એડમિશનના ફોર્મનો બીજો ભાગ ૧૧ મેથી ભરી શકશે. તેમજ એડમિશનની તાત્પુરતી ગુણવત્તાયાદી ૧૫ મેના રોજ જાહેર કરાશે. જ્યારે પહેલું મેરિટ ૨૬મીએ જાહેર કરવામાં આવશે.

ગયા વર્ષથી આખા રાજ્યમાં ધો.૧૧ની એડમિશન પ્રક્રિયા ઓનલાઈન કરાઈ છે. વિદ્યાર્થીઓને ફોર્મ ભરવામાં તકલીફ ન થાય તે માટે ૧૦ એપ્રિલથી એપ્લિકેશન ફોર્મનો પહેલો ભાગ શરુ કરી દેવાયો છે. જેમાં નવમી મે સુધીમાં ૭,૯૭,૦૮૧ વિદ્યાર્થીઓએ ભાગ-૧ ભરીને રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ પ્રક્રિયામાં ત્રણ સામાન્ય રાઉન્ડ, ઓપન ટૂ ઓલનો ચોથો રાઉન્ડ અને વિદ્યાર્થિનીઓ માટેનો વિશેષ પાંચમો રાઉન્ડ લેવામાં આવશે.

૧૧ થી ૨૦ મે દરમ્યાન ઝીરો રાઉન્ડ ચલાવાશે. તેમાં મેનેજમેન્ટ, ઈન-હાઉસ, માઈનોરિટી ક્વૉટા માટે ૧૧ થી ૧૩ મે દરમ્યાન વિદ્યાર્થીઓ ઝીરો રાઉન્ડ માટે ફોર્મનો બીજો ભાગ ભરી શકશે. ૧૫ મેના રોજ તાત્પુરતી ગુણવત્તાયાદી આવશે. તેના પર ૧૬મેના રોજ વિદ્યાર્થીઓ વાંધા હોય તો તે નોંધાવી શકશે. ૧૮ મેના સામાન્ય ગુણવત્તાયાદીને અંતિમ સ્વરુપ અપાશે અને શૂન્ય રાઉન્ડ માટે સીટ્સનું વિતરણ કરાશે.

પ્રથમ રાઉન્ડ માટે ૨૧ અને ૨૨ મેના વિદ્યાર્થીઓ પાર્ટ-૧માં બદલાવ કરી શકશે તેમજ પાર્ટ-૨ (બે) ભરી શકશે. ત્યારબાદ ૨૬મી મેના રોજ પહેલું મેરિટ લિસ્ટ જાહેર કરાશે. આ રાઉન્ડમાં પ્રવેશ મેળવનારા વિદ્યાર્થીઓએ ૨૬ થી ૨૮ મે દરમ્યાન કૉલેજમાં જઈ એડમિશન લેવું પડશે. ૨૯મી મેના રોજ ખાલી રહેલી સીટ્સ જાહેર કરાશે અને ૩૦મી મેના રોજ બીજા રાઉન્ડનું ટાઈમટેબલ જાહેર કરવામાં આવશે.