મુંબઇમાં દશેરા રેલી અને દુર્ગા વિસર્જન માટે 19000 પોલીસ કર્મચારી તૈનાત

ગોરેગાંવ તથા દાદરમાં રાજકીય રેલીઓના કારણે ટ્રાફિક જામ થઈ શકે
સાત એડિશનલ સીપી, ૨૬ ડેપ્યુટીી સીપીને જવાબદારી સોંપાઈ - ક્વિક રિસ્પોન્સ ટીમ, બીડીડીએચ, ડૉગસ્કવૉડ પણ તૈનાત
મુંબઇ - મુંબઇ પોલીસે બીજી ઓકટોબરના દશેરાના દુર્ગા માતાની પ્રતિમાતા વિસર્જન અને રાજકીય પક્ષોની રેલીઓને ધ્યાનમાં રાખીને શહેરભરમાં ૧૬,૫૦૦થી વધુ પોલીસ કોન્સ્ટેબલ અને લગભગ ૨,૯૦૦ અધિકારીઓ તેમજ વિવિધ સ્પેશિયલ યુનિયના કર્મચારીઓ તૈનાત કર્યા છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નૈતૃત્વમાં શિવસેના ગોરેગાંવના નેસ્કો સેન્ટરમાં તેની વાર્ષિક દશેરા રેલીનું આયોજન કરશે. અગાઉ આ રેલીનું દક્ષિણ મુંબઇના આઝાદ મેદાનમાં યોજાવાની હતી.
જ્યારે ઉદ્ધવ ઠાકરેના નૈતૃત્વ હેઠળની વિપક્ષી શિવસેના (યુબીટી) પણ દાદર વિસ્તારમાં આવેલ તેના પરંપરાગત સ્થળ શિવાજીપાર્ક ખાતે આવી જ રેલી યોજવા માટે તૈયાર છે.
આમ શહેરમાં મોટી સંખ્યામાં સમર્થકો પોતપોતાના પક્ષોની રેલીઓમાં હાજરી આપવા માટે એકઠા થાય એવી શક્યતા છે.
આ રાજકીય રેલીઓ અને દુર્ગા માતાની પ્રતિમાના વિસર્જનને ધ્યાનમાં રાખીને પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા તથા કોઇપણ અનિચ્છનીય ઘટના ટાળવા માટે વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થા કરી છે, એમ એક અધિકારીએ બુધવારે જણાવ્યુ ંહતું.
મુંબઇમાં સાત એડિશનલ કમિશનર ઓફ પોલીસ, ૨૬ ડેપ્યુટી કમિશનર, બાવન આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ, ૨૮૯૦ ઓફિસર અને ૧૬,૫૫૨ કોન્સ્ટેબલનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
આ ઉપરાંત સ્ટેટ રિઝર્વ પોલીસ ફોર્સ, ક્વિક રિસ્પોન્સ ટીમ (ક્યૂઆરટી) બોમ્બ ડિટેકશન એન્ડ ડિસ્પોઝલ સ્કવૉડ (બીડીડીએચ), ડૉગ સ્કવૉડ, તેમજ ડેલ્ટા, કોમ્બેટ અને રાયોટ કન્ટ્રોલ હોમગાર્ડ્સની ટીમો પણ દરેક પરિસ્થિતિ પર નજર રાખવા તૈયાર છે,
અધિકારીના જણાવ્યા મુજબ બીડ ટાળવા અને કાર્યક્રમો શાંતિપૂર્ણ રીતે યોજાય તે માટે સંવેદનશીલ વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી છે.
મુંબઇ ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમન અંગે પણ વ્યવસ્થા કરી છે. રેલીઓ અને સરઘસોને ધ્યાનમાં રાખીને રુટ બદલવામાં આવ્યા છે.









