19 વર્ષની હેલી મોમાયાની માતાનો આક્રોશ, મેં પુત્રી ગુમાવી તેના માટે કોણ જવાબદાર ?

ઘાયલ પ્રવાસીઓમાં માતા-પુત્રનો સમાવેશ, માતાની હાલત વધુ ગંભીર
માટુંગામાં રહેતી હેલી સોમૈયા કોલેજની પ્રથમ વર્ષની વિદ્યાર્થિની હતીઃ ટ્રેનમાં ગૂંગળામણ થતાં ફઈ સાથે નીચે ઉતરી ચાલવા લાગી હતીઃ
હેલીનો પરિવાર મૂૂળ કચ્છના વરાડિયાનો વતની
મુંબઈ - બુધવારે રશ અવર્સમાં જ રેલવે કર્મચારીઓની હડતાલને કારણે સેન્ટ્રલ રેલવેની લોકલો ખોરવાઈ જતાં ટ્રેક પર ચાલી રહેલા પ્રવાસીઓને સેન્ડ હર્સ્ટ્ રોડ સ્ટેશન પાસે એક ટ્રેને અડફેટે લેતાં માર્યા ગયેલા પ્રવાસીઓના પરિવાર જનો તેમનાં આપ્તજનોના મોત માટે કોણ જવાબદાર તેવો સવાલ પૂછી રહયા છે. આ ઘટનામાં ૧૯ વર્ષની દીકરી હેલીને ગુમાવનારી માતા શીતલ મોમાયાએ આક્રંદ સાથે સવાલ ઉઠાવ્યો હતો કે પોલીસ આંદોલનકારીઓને કેમ ન અટકાવી શકી ? મારાં મોત માટે રેલવે તંત્ર જવાબદાર કે આંદોલનકારીઓ? મેં મારી દીકરી ગુમાવી છે એ હકીકત છે. કોઈના વાંકે સામાન્ય લોકો તેમના સ્વજનો ગુમાવે એ ક્યાંનો ન્યાય છે ?
બુધવારે ઘટનાના દિવસે અટકી ગયેલી ટ્રેન ઉપડવાની રાહ જોઇને કંટાળ્યા હતા અને સેન્ડહર્સ્ટ રોડમાં રહેતા સંબંધીના ઘરે ચાલતા જવાનું નક્કી કરીને તેઓ ટ્રેનમાંથી ઉતરી ટ્રેક પર ચાલતા પ્લેટફોર્મ સુધી જઇ રહ્યા હતા. આ બન્નેને જોઇને ભીડવાળા કોચમાં ગૂંગળામણ અનુવતી હેલી અને ખુશબુ પણ ટ્રેનમાંથી ઉતરી ગયા હતા. તેમની પાછળ નાઇક પણ ઉતર્યા હતા. આ બધા જ લોકો ટ્રેકની બીજીબાજુએ ચાલી રહ્યા હતા. લગભગ તે જ સમયે હડતાળ પૂરી થઇ અને ટ્રેનો શરૃ થઇ ગઇ હતી. ટ્રેનમાંથી ઉતરેલા કેટલાક પ્રવાસીઓમાંથી પાંચ જણ અંબરનાથ લોકલની અડફેટે આવી ગયા હતા. જેમાં બે પ્રવાસીઓના મોત થયા હતા અને ત્રણ પ્રવાસીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. આ ધટના સાંજે ૭.૧૫ વાગ્યાની આસપાસ બની હતી
પાંચેય ઘાયલોને જેજે હોસ્પિટલમાં લઇ જવાયા હતા, ર્જ્યાં માટુંગાની ૧૯ વર્ષની હેલી પ્રિયેશ મોમાયા અને મીરા રોડાના રહેવાસી ૪૫ વર્ષીય સૂર્યકાંત નાઇકને મૃત જાહેર કરાયા હતા. હેેલી સાથે તેના ફઇ ખુશબૂ મોમાયા પણ હતા, જેને હાથમાં ફ્રેક્ચર થયું હતું અને બાદમાં એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
પ્રાપ્ત જાણકારી અનુસાર હેલી સોમૈયા કોલેજમાં બી.એના પ્રથમ વર્ષની વિદ્યાર્થિની હતી. તેના પિતા પ્રિયેશભાઈ શેરબજારનું કામકાજ કરે છે. આ પરિવાર માટુંગામાં રહે છે. ઘટનાના દિવસે તેની ફઇ જોડે કોઇ કામથી દક્ષિણ મુંબઇ જઇ રહી હતી. રેલવે ઓફિસરો સમક્ષ હેલીના માતા શીતલ મોમાયાએ તેમની વ્યથા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મેં કાલે જ હેલીને ફોન કરીને ઘરે પરત આવવા કહ્યું હતું. મને કંઇક ઠીક નહોતું લાગી રહ્યું, હું આખો દિવસ અજાણતા બેચેન હતી-મારું મન જાણતું હતું કે કંઇક ભયાનક થવાનું છે. હવે હું એને ફરીથી નહીં જોઇ શકું. મને તેનો ચહેરો પણ અંતિમવાર પણ જોવા મળ્યો ન હતો. હેલીની અંતિમયાત્રા આજે યોજાઈ હતી.
બે અન્ય ઘાયલ પ્રવાસી યાફિઝા ચૌગલ (૬૫) અને તેમનો ૨૨ વર્ષના દિકરા કૈફને પણ બાદમાં એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જીઆરપી પાસેથી મળેલી માહિતી અનુસા યાફિઝાની હાલત ગંભીર છે, જોકે તેમના દિકરાને સામાન્ય ઇજાઓ થઇ છે. યાફિઝા અને તેમનો દિકરો મુંબ્રાના રહેવાસી છે.

