મહારાષ્ટ્રના વનવિસ્તારમાંથી પક્ષી તેમજ પ્રાણીની 19 પ્રજાતિ નામશેષ
- વનવિસ્તારના જળસ્ત્રોતો પર કરાયેલા સર્વેક્ષણ દ્વારા માહિતી બહાર આવી
(પ્રતિનિધિ દ્વારા)મુંબઈ,તા,14 ઓક્ટોબર 2018, રવિવાર
વનવિભાગે જંગલના જળસ્ત્રોત ધરાવતાં વિસ્તારોમાં કરેલ સર્વેક્ષણમાંથી એક આંચકાદાયક માહિતી બહાર આવી છે. મહારાષ્ટ્રના જંગલ, અભયારણ્યો અને વનક્ષેત્રોમાંના ૧૯ પક્ષી અને પ્રાણીઓની પ્રજાતિ નષ્ટ થઈ છે તો ૧૦ પ્રજાતિ નામશેષ થવાને માર્ગે હોવાનું સ્પષ્ટ થયું છે.
માહિતી અધિકાર કાર્યકર્તા જિતેન્દ્ર ઘાટગેએ આ માહિતી બહાર પાડી છે. ઉનાળાના દિવસોમાં દરવર્ષે વનવિભાગ દ્વારા જંગલમાં પાણીના સ્ત્રોત ધરાવતાં સ્થળોએ સર્વેક્ષણ કરવામાં આવે છે. ઉનાળામાં પાણીનું સ્તર ઓછું થયેલું હોય છે, આથી ઘણાં પ્રાણી-પક્ષી જંગલના તળાવ તેમજ અન્ય પાણીના સ્ત્રોતો પાસે સાથે જ પાણી પીવા માટે આવે છે.
આ પ્રાણીઓની વારંવારિતા તપાસવામાં આવતાં જંગલમાં અનેક પ્રાણીઓની પ્રજાતિ આ વર્ષે જળસ્ત્રોતની આસપાસ જોવા મળી નથી. સારસ, નિલકંઠ જેવા પક્ષીઓની પ્રજાતિ સાવ નામશેષ થવા પર છે. તો ગીધની સંખ્યાની બાબતમાં પણ આવીજ પરિસ્થિતી છે.
પશુપક્ષીઓની પ્રજાતિ નષ્ટ થવા પાછળ વિવિધ કારણો છે. વૃક્ષતોડ, અનિયંત્રિત વિકાસ, ખેતીનો વિસ્તાર અને શિકાર એ આ પાછળના મુખ્ય કારણો હોવાનું નિષ્ણાંતોનું માનવું છે. દેશમાં નિશ્ચિત પશુપક્ષીની પ્રજાતિને અપાતું મહત્ત્વ આ પક્ષીઓ માટે જીવના જોખમ સમું સાબિત થાય છે.
વાઘ બચાવવા માટે એનજીઓ અને શાસન સ્તરે અનેક પ્રયત્નો થઈ રહ્યા છે. તેનું પરિણામ એ આવ્યું કે વાઘની સંખ્યા વધી. રાણીબાગમાં પણ પેંગ્વિનની દેખભાળ માટે લાખો રુપિયાનો ખર્ચો કરાય છે. પરંતુ એજ ભાગ્ય આ પક્ષીઓને પણ મળવું જોઈએ. નહીંતર આગળની પેઢીને આ પક્ષી ફક્ત ચિત્રોમાંજ જોવા મળશે.