નંદુરબારની સરકારી હોસ્પિટલમાં 3 મહિનામાં 179 નવજાત શિશુનાં મોત
Updated: Sep 17th, 2023
- રોજનાં સરેરાશ બે બાળકોનાં મોત થઈ રહ્યાં છે
- પોણા ભાગના મોત તો એક જ દિવસમાં કેટલાંક બાળકો સમયસર સારવારના અભાવે મૃત્યુ પામ્યા
મુંબઈ : મહારાષ્ટ્રમાં નંદુરબારની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૩ મહીનામાં રોજ સરેરાશ બે બાળકોના મૃત્યુ નોંધાયા છે. નંદુરબારના ચીફ મેડિકલ ઓફિસર (સીએમઓ)એ એ વાતની પુષ્ટિ કરી છે કે નંદુરબારની સિવિલ હોસ્પિટલમાં છેલ્લા ૩ માસમાં ૧૭૯ બાળકો મૃત્યુ પામ્યા છે. નવજાત શિશુઓના મોતના ઘણાં કારણો છે અને એમાં જન્મ સમયે શ્વાસ રુંધાવા, ઓછું વજન, સેપ્સિસ અને શ્વાસ સંબંધી બિમારીઓનો સમાવેશ છે.
સૌથી વધુ ચોંકાવનારી બાબત એ છે કે ૭૦ ટકા મોત શિશુઓના જન્મ બાદ ૨૮ દિવસમાં જ થયા છે. સીએમઓ એમ. સાવનકુમારના જણાવવા મુજબ ૨૦ ટકા મોત બાળકોને સમય પર સારવાર ન મળવાને કારણે થાય છે. એમાં સ્ત્રીઓના ઘરમાં જ કરાતી સુસાવડ પણ સામેલ છે. નંદુરબાર જિલ્લામાં બાળકોના કુપોષણનો દર સૌથી વધુ છે. અધુરા મહીને બાળકોનો જન્મ, જન્મ સમયે ઓછું વજન, પ્રસૂતિ દરમ્યાન સેપ્સિસ (ચામડીનો સડો) એને નિમોનિયા પણ મોટા કારણો છે. સરકારી આંકડા કહે છે કે નંદુરબારની સિવિલમાં જુલાઈમાં ૭૫ શિશુઓના મોત થયા હતા. જે ઓગસ્ટમાં વધીને ૮૬ થયા. જ્યારે સપ્ટેમ્બરમાં અત્યાર સુધીમાં ૧૮ મોત થઈ ચુક્યા છે.
નંદુરબારના વિધાનસભ્ય અમશા પાડવીએ આરોગ્ય સુવિધાઓની કમીને કારણે નવજાત બાળકોના મોત થયા હોવાનો રાજ્ય સરકાર સામે આક્ષેપ કર્યો છે. હોસ્પિટલમાં પુરતી સગવડો ન હોવાથી ગર્ભવતી સ્ત્રીઓ અને નવજાત શિશુઓના જીવ જોખમમાં મુકાય છે. હોસ્પિટલમાં સંશાધનો અને સ્ટાફની પણ અછત છે. સરકાર દર વરસે સ્વાસ્થ્ય સુવિધાઓ પાછળ કરોડોનો ખર્ચ કરે છે. પરંતુ ૩ માસમાં ૧૭૯ શિશુઓના મોતથી એવો સવાલ ઊભો થાય છે કે શું સરકારી યોજનાઓનો લાભ અંતરિયાળ આદિવાસી વિસ્તારોને મળે છે ખરો?
સીમઓ સાવનકુમારના જણાવવા મુજબ એમણે બાળકોના મોત થતા રોકવા મિશન '૮૪ દિન' શરૂ કર્યું છે. આ મિશનનો ઉદ્દેશ શિશુઓના મૃત્યુના મુખ્ય કારણોના ઉપાય શોધી એમને સમય પર સારવાર મળી રહે એવી વ્યવસ્થા કરવાનો છે.