મુંબઈમાં દરિયાઈ સુરક્ષા માટે 1775સાગર રક્ષક તૈનાત

26/11 ના જેવા હુમલા રોકવા પ્રયાસ
કિનારે વસતા માછીમારો, કોળી સમુદાયના સભ્યો, નાવિકોની સાગર રક્ષક તરીકે ભરતી
મુંબઈ - મુંબઈ પર થયેલા ૨૬/૧૧ના સૌથી ખોફનાક ટેરરિસ્ટ અટેકનું પુનરાવર્તન રોકવાના વધુ ેક પ્રયાસ તરીકે કિનારા વિસ્તાર પર નજર રાખવા માટે નાળિયેરી પૂર્મિમાના મુહૂર્તમાં ૧૭૭૫ સાગર રક્ષકો સજ્જ થઈ જશે.
મુંબઈ પોલીસના પોર્ટ ઝોન તરફથી કિનારે વસતા માછીમારો, કોળી બાંધવો, પ્રવાસી નૌકાઓમાં ફરજ બજાવતા નાવિકો અને ખલાસીઓની સાગર રક્ષક તરીકે નોંધમી કરવામાં આવી છે.
ચોમાસાના ચાર મહિનાના બ્રેક બાદ આવતી કાલથી માછીમારો દરિયો ખેડવાની શરૃઆત કરશે ત્યારથી સાગર રક્ષકો સક્રિય થઈ જશે. આ પહેલા ૫૪૯ સાગર રક્ષક મુંબઈ પોલીસને મદદ કરતા હતા. હવે નવા ૧૨૪૬ સાગર રક્ષકોના નામોની નોંધણી કરવામાં આવી છે.
દરિયામાં કોઈ અજાણી બોટ નજરે પડે, મુંબઈના દરિયા કિનારે કોઈ શંકાસ્પદ હિલચાલ જોવા મળે ત્યારે આ સાગર રક્ષકો તરફથી મરીન પોલીસને તરત જ જાણ કરવાની રહેશે. ઉપરાંત દરિયામાં કોઈ અકસ્માત થાય ત્યારે પણ તેમણે પોલીસને સતર્ક કરવી પડશે.
૨૦૦૮માં ૨૬/૧૧ના આતંકવાદી હુમલા વખતે પાકિસ્તાનથી દરિયાઈ માર્ગે ભારતીય જળસીમામાં ઘૂસણખોરી કરી ઠેઠ મુંબઈ પહોંચી ગયેલા ટેરરિસ્ટો દક્ષિણ મુંબઈના કફ પરેડના દરિયા કિનારેથી રાતના સમયે આસાનીથી શહેરમાં પ્રવેશ્યા હતા અને આતંકવાદી હુમલાને અંજામ આપ્યો હતો. ત્યારે રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર ઊંઘતું ઝડપાયું હતું. આશ્ચર્યની વાત છે કે આ આતંકવાદીઓની બોટને કોસ્ટગાર્ડ કે નેવી તરફથી પણ આંતરવામાં નહોતી આવી. આ જાતના હુમલાને નિવારી શકાય એ માટે સાગર રક્ષકોને નિમવામાં આવ્યા છે.








