પાખંડી અશોક ખરાતના કોલ રેકોર્ડમાં અનેક નેતાઓનાં નંબર
ચન્દ્રકાંત પાટીલ, આશિષ શેલાર, સુનિલ તટકરે સાથે પણ ખરાતનો ફોન સંપર્કઃ કોલ્સથી કશું પુરવાર ન થતું હોવાનો ભાજપ- શિદે સેનાનો બચાવ
મુંબઇ - નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે, મહિલા આયોગનાં માજી અધ્યક્ષા રુપાલી ચાકણકર ઉપરાંત ભાજપના નેતાઓ ચન્દ્રકાન્ત પાટીલ, આશિષ શેલાર તથા એનસીપીના સુનિલ તટકરે સાથે નાસિકના ઢોંગી અશોક ખરાતની ફોન પર વાતો થઈ હોવાનો દાવો એક્ટિવિસ્ટ અંજલિ દમણિઆએ ખરાતના કથિત કોલ ડિટેઈલ્સ રેકોર્ડને ટાંકીને કર્યો છે. શિંદે અને ખરાત વચ્ચે ૧૭ કોલ થયા હતા. જ્યારે રુપાલી ચાકણકર અને ખરાત વચ્ચે ૧૭૭ તથા રુપાલીની બહેન પ્રતીભા ચાકણકર અનેે ખરાત વચ્ચે ૨૩૬ કોલ થયા હોવાનો દાવો કરાયો છે.
નાસિકના ઢોંગી અશોક ખરાત પ્રકરણની સમગ્ર રાજ્યમાં મોટા પ્રમાણમાં ચર્ચા ચાલી રહી છે. ખરાતની પોલીસે બળાત્કારના આરોપસર ધરપકડ કર્યા બાદ ખરાત સામે ૧૧થી વધુ અલગ-અલગ ગુનાઓ નોંધવામાં આવ્યા છે. આ સમગ્ર પ્રકરણની તપાસ એસઆઇટી દ્વારા થઇ રહી છે. ત્યાં દરરોજ નવા અને ચોંકાવનારા ખુલાસાઓ થઇ રહ્યા છે. દરમિયાન હવે અશોક ખરાતેને રાજ્યના ક્યાં દિગ્ગજ નેતાને કેટલા કોલ કર્યા હતા તેની સંપૂર્ણ વિગત ધરાવતી યાદી એક્ટિવિસ્ટ અંજલિ દમણિયાએ આપી હતી. જ્યારે શિવસેના યુબીટીના ઉપનેતા સુષમાં અંધારેએ પણ ફેસબુક પર એક પોસ્ટ શેર કરી આ બાબતની માહિતી આપી હતી.
અંજલી દમણીયાએ આરોપ કરતા જણાવ્યું હતું કે રાજ્ય મહિલા પંચના પૂર્વ પ્રમુખ રૃપાલી ચાકણકરે અશોક ખરાતને કુલ ૧૭૭ કોલ કર્યા હતા જ્યારે ચાકણકરની બહેન પ્રતિભા ચાકણકરે ૨૩૬ કોલ કર્યા હતા. આ ઉપરાંત રાજ્યના ઉપમુખ્યમંત્રી એકનાથ શિંદેએ ખરાતને ૧૭ કોલ કર્યા હતા જેમાં ૧૦ કોલ ઇનકમિંગ જ્યારે ૭ આઉટગોઇંગ કોલ હતા. આ કોલમાં એક કોલની અવધિ તો ૨૧ મિનિટ જેટલી લાંબી હતી. તેવો આરોપ દમણીયાએ કર્યો હતો.
અંજલી દમણીયાએ આગળ જણાવ્યું હતું કે ખરાત બાબતની સાચી માહિતી અને વિગતો લોકો સામે આવતી નહોવાથી હું આ માહિતી જનતા સમક્ષ મૂકવાનો પ્રયાસ કરી રહીં છું. જો એકનાથ શિંદે જેવા રાજ્યના ઉપમુખ્યમંત્રી કક્ષાની વ્યક્તિએ ખરાતને ફોન કર્યો હોય તો એકનાથ શિંદેએ તેનો જવાબ અથવા સ્પષ્ટીકરણ જનતાને આપવું ખૂબ જ જરૃરી છે. આ સિવાય ચંદ્રકાંત પાટીલે ખરાતને ૮ કોલ જ્યારે સુનિલ તટકરેએ પણ આઠ કોલ કર્યા હતા જ્યારે આશિષ શેલારનો પણ એક કોલ થયો હોવાનું જાણવા મળ્યું છે. દમણીયાએ આગળ જણાવ્યું હતું કે રૃપાલી ચાકણકરે કુલ મળી ૩૩૭૨૭ સેકન્ડ સુધી ચાકણકર સાથે વાત કરી હતી તેવો ખુલાસો પણ કર્યો હતો.
શિવસેના (યુબીટી) ના ઉપનેતા સુષમાં અંધારેએ પણ આ આખી યાદી ફેસબુક પર શેર કરી જણાવ્યું હતું કે આતો કોલ થયા તેની વિગતો છે. જ્યારે વોટ્સએપ કોલ બાબતે કોઇ માહિતી મળી નથી કારણ કે વોટ્સએપ કોલની માહિતી મળતી જ નથી.
દરમિયાન આ દાવા સંદર્ભમાં શિંદે સેનાના મંત્રી ઉદય સામંતે કહ્યું હતું કે કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિને કોલ કરતી હોય તેના પરથી એક વ્યક્તિના ગુનામાં અન્ય વ્યક્તિની સંડોવણી સાબિત થતી નથી. ભાજપના ચન્દ્રશેખર બાવનકુળેએ પણ આ જ વાત ઉચ્ચારતાં કહ્યું હતું કે બે વ્યક્તિ વચ્ચે ફોન કોલ્સ થયા હોય તેનાથી કશું સાબિત થતું નથી.
ઉલ્લેખનીય છે કે ખરાત સાથેના સંપર્ક તથા સંબંધોની વિગતો બહાર આવ્યા પછી રુપાલી ચાકણકરે મહિલા આયોગના પ્રમુખપદેથી તથા એનસીપીના મહિલા મોરચાના પ્રમુખ તરીકે પણ રાજીનામું આપવું પડયું છે.


