નવા વર્ષની પૂર્વ સંધ્યા પહેલા કડક પોલીસ બંદોબસ્ત
ભીડભાડવાળા સ્થળોએ નાકાબંધી, પેટ્રોલિંગ અને ફિસ્કડ- પોઈન્ટ સુરક્ષા ગોઠવવામાં આવશે
મુંબઈ - મુંબઈમાં ૩૧ ડિસેમ્બરના નવા વર્ષના આગમનની ઉજવણી માટે મહત્ત્વપૂર્ણ જાહેર સ્થળો, હોટલો અને શોપિંગ મોલમાં મોટી ભીડ ઉમટવાની અપેક્ષા છે. તેથી મુંબઈ પોલીસે થર્ટી ફસ્ટના દિવસે નવા વર્ષની પૂર્વ સંધ્યાની ઉજવણી શાંતિપૂર્ણ અને સલામત રીતે થાય તે માટે સમ્રગ શહેરમાં ૧૭ હજારથી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત કરીને વિસ્તૃત સુરક્ષા વ્યવસ્થાની જાહેરાત કરી છે.
મુંબઈ પોલીસે શહેરમાં નવા વર્ષની ઉજવણી સુરક્ષિત અને ઘટનામુક્ત રહે તે માટે વ્યાપક સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થાપન યોજના પણ અમલમાં મૂકી છે. મહાપાલિકાના પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠળ અને મુંબઈના આર્થિક પોલીસ કમિશ્નર (કાયદો અને વ્યવસ્થા) તથા મુંબઈના એડિશનલ પોલીસ કમિશ્નર (ટ્રાફિક)ના દેખરેખ હેઠળ આ વ્યવસ્થાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, નવા વર્ષને આવકારવા માટે નાગરિકો મોટી સંખ્યામાં બહાર નીકળે છે. ત્યારે કાયદો અને વ્યવસ્થા જાળવવાનો પોલીસનો આશય છે. પોલીસના જણાવ્યા મુજબ, શહેરભરમાં ૧૦ એડિશનલ પોલીસ કમિશ્નર, ૩૮ ડેપ્યુટી કમિશ્નર અને ૬૧ આસિસ્ટન્ટ કમિશ્નર, ૨૮૯૦ પોલીસ અધિકારીઓ અને ૧૪૨૦૦ પોલીસ કોન્સ્ટેબલન તૈનાત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત સંવેદનશીલ અને વધુ પડતી ભીડવાળા સ્થળોએ એસઆરપીએફ પ્લાટૂન, ક્વિક રિસ્પોન્સ ટીમ (ક્યુઆરટી), બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્કવોડ (બીડીડીએસ), આરસીપી પ્લાટૂન અને હોમ ગાર્ડ જેવા વિશિષ્ટ એકમો પણ તૈનાત કરવામાં આવ્યા છે.
વધુમાં સમ્રગ શહેરમાં નાકાબંધી (ચેકપોઈન્ટ) પણ ગોઠવવામાં આવશે. જ્યારે લોકપ્રિય ઉજવણી ઝોન, મુખ્ય રસ્તાઓ અને જાહેર સ્થળો સહિત ભીડવાળા વિસ્તારોમાં સઘન પેટ્રોલિંગ અને નિશ્ચિત પોઈન્ટ સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવામાં આવશે.
પોલીસ દ્વારા એવો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ટ્રાફિક પોલીસની ટીમો પણ મોટી સંખ્યામાં તૈનાત કરવામાં આવશે. જેથી ભીડનું સંચાલન કરી શકાય અને વાહનોની અવરજવર સુગમ રહે. જેથી કોઈ અનિચ્છનીય ઘટનાઓ અટકાવવા, ભીડનું નિયમન કરવા અને કટોકટીની પરિસ્થિતિઓમાં ઝડપી પ્રતિભાવ સુનિશ્ચિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
નાગરિકોને પોલીસ કર્મચારીઓને સહકાર આપવા, ટ્રાફિક અને સલામતીના નિયમોનું પાલન કરવા અને જવાબદારીપૂર્વક ઉજવણી કરવા વિનંતિ કરવામાં આવી છે. વધુમાં મુંબઈ પોલીસે જાહેર જનતાને કોઈપણ પોલીસ સહાયની જરુર પડે તો તાત્કાલિક હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરવા પણ અપીલ કરી છે. જેથી નવા વર્ષનું સ્વાગત સુરક્ષિત અને શાંતિપૂર્ણ રીતે થાય.


