પૃથ્વી થિયેટરની 47મી વર્ષગાંઠની 17 દિવસ ઉજવણી

જેનિફર કપૂરની વિરાસતનું સન્માન
સર્જકો અને દર્શકોને જોડતા આ ઉત્સવમાં વિશ્વની ઉત્કૃષ્ટ કૃતિઓ, નવા નાટકો તેમજ દિગ્ગજો દ્વારા વર્કશોપ રજૂ થશે
મુંબઈ - નાટય ઉત્કૃષ્ટતાના ૪૭ ગૌરવશાળી વર્ષોની ઉજવણીના પ્રતીક રૃપે મુંબઈનું આઈકોનિક પૃથ્વી થિયેટર ૧થી ૧૭ નવેમ્બર દરમ્યાન તેના બહુપ્રતિક્ષિત પૃથ્વી મહોત્સવ ૨૦૨૫ની ઉજવણી કરી રહ્યું છે, જેમાં ભારતની શ્રેષ્ઠ થિયેટર પ્રતિભાઓ અને ઉત્સાહી દર્શકો એક જ છત નીચે એકત્ર થશે. ભારતીય રંગભૂમિના આત્મા તરીકે ઓળખાતા પૃથ્વીએ સર્જનાત્મકતા અને સામુદાયિક ભાવનાને પોષવાનું ચાલુ રાખ્યું છે. આ વર્ષનો ઉત્સવ નાટકો, કાર્યશાળાઓ, સંગીત અને વાર્તાલાપનું સમૃદ્ધ મિશ્રણ છે, જે સાંસ્કૃતિક અભિવ્યક્તિના હૃદયમાં જીવંત પ્રદર્શન રાખવાની પૃથ્વીની પ્રતિબદ્ધતા પુનર્સ્થાપિત કરે છે.
જેનિફર કપૂરના વિઝન પર સ્થાપિત, પૃથ્વી થિયેટર લગભગ પાંચ દાયકાથી કલાકારો અને થિયેટર પ્રેમીઓ માટે એક સ્વર્ગ રહ્યું છે. વર્ષોથી તે સહયોગ, નવીનતા અને જીવંત કલાની સુંદરતાની ઉજવણી કરતું સ્થળ બની ગયું છે. આ વર્ષનો ઉત્સવ યુકી એલિયાસ, મહાબાનુ મોદી કોતવાલ, આદિત્ય રાવલ, મોહિત તકલકર, આકર્ષ ખુરાના અને અતુલ કુમાર જેવા પ્રતિષ્ઠિત દિગ્દર્શકોના પ્રદર્શન સાથે આ વારસાના આગળ ધપાવશે, સાથે ઉર્દૂ કથા શૈલીના શાશ્વત આકર્ષણને જાળવતા પરંપરાગત દાસ્તાગોઈ વાર્તા કહેવાના સત્રો પણ રજૂ થશે.
પ્રહ્લાદ ટિપાનિયા અને તેમના જૂથ દ્વારા માલવા લોક શૈલીમાં કબીરના ગીતોની ભાવનાત્મક સંગીતમય પ્રસ્તુતિ સાથે ઉત્સવની શરૃઆત સાથે આનંદદાયક વાતાવરણ સર્જાયું. સત્તર દિવસની ઉજવણી દરમ્યાન પ્રેક્ષકો નવા નાટકો, યુકેના રાષ્ટ્રીય થિયેટરમાંથી એનટી લાઈવ સ્ક્રીનિંગ અને કલાકારોની ક્રિયાપ્રતિક્રિયાઓ જોશે, જેનાથી કાર્યક્રમ વધુ વૈવિધ્યસભર અને રોમાંચક બનશે.
કાર્યક્રમોની સૂચીમાં મહાબાનૂ અને કૈઝાદ કોતવાલ દિગ્દર્શિત 'ઈડન ક્રીક', આદિત્ય રાવલ લિખિત 'ક્વીન', એલિસ બિર્ચની 'એનેટોમી ઓફ એ સુસાઈડ', આકર્ષ ખુરાના દિગ્દર્શિત 'એ પરફેક્ટ ટાઈમ ટુ પેનિક' અને અતુલ કુમાર દ્વારા દિગ્દર્શિત એરિસ્ટોફેન્સની લીસીસટ્રેટાનું ભારતીય રૃપાંતરણ 'અંબા' સામેલ છે. રસપ્રદ બાબત છે કે આ વર્ષના ઘણા નાટકોમાં મહિલાઓનો દ્રષ્ટિકોણ ઉજાગર થયો છે, જે કોઈ યોજના અંતર્ગત નહિ પણ આધુનિક થિયેટરમાં વધતી સભાનતાના પ્રતિબિંબ તરીકે કુદરતી રીતે ઉદ્ભવ્યો છે.
નસીરુદ્દીન શાહ અને શેરનાઝ પટેલ દ્વારા આયોજિત વર્કશોપથી કાર્યક્રમમાં શીખવાની તક મળશે જ્યારે 'એ સ્ટ્રીટકાર નેમ્ડ ડીઝાયર', 'ઈન્ટર એલિયા' અને 'પ્રેઝન્ટ લાફટર'ના એનટી લાઈવ સ્ક્રીનિંગથી ભારતીય દર્શકોને વિશ્વની ઉત્કૃષ્ટ કૃતિઓ જોવા મળશે.
આ સંસ્કરણમાં થિયેટર સમૂહો માટે પણ એક કીર્તમાન રચાઈ રહ્યો છે જેમાં એક્વેરિયસ પ્રોડક્શન્સ તેના ૯૦માં નાટક 'એ પરફેક્ટ ટાઈમ ટુ પેનિક' સાથે ૨૫મી વર્ષગાંઠ ઉજવી રહ્યું છે જ્યારે એક સમયે નાનુ નાટક ગણાતુ 'ક્વીન' હવે મુખ્ય મંચ પર એક શાનદાર રજૂઆત સાથે વાપસી કરી રહ્યું છે.
ટ્રસ્ટી કુણાલ કપૂર અને ઝહાન કપૂર જણાવે છે કે આ મહોત્સવ સ્પોન્સરશીપના સ્થાને માત્ર ધગશથી એક સમુદાય સંચાલિત પ્રયાસ બની રહ્યો છે. કુણાલે જણાવ્યું કે આ પ્રદર્શન કલાઓ, અમારા સમુદાય અને અમારા મૂળનો ઉત્સવ છે, જ્યારે ઝહાને તેને પ્રેમના ખરા પરિશ્રમ તરીકે ગણાવ્યું, જે કલાકારો અને દર્શકોને લાઈવ થિયેટરના સહિયારા આનંદથી સાંકળે છે.

