ગણેશોત્સવમાં કોઈપણ વિધ્ન ટાળવા 17 હજાર પોલીસનો બંદોબસ્ત
બોમ્બ સ્કવોડ, ક્વિક રિસ્પોન્સ સહિતની વિવિધ ટીમોને તૈનાત કરાશે
સુરક્ષા બંદોબસ્ત માટે તમામ મોટાં ગણેશ મંડળો સાથે પોલીસની બેઠકઃ ડ્રોનથી મંડપો પર વોચ રખાશે
મુંબઈ - મુંબઈમાં ૨૭ ઓગસ્ટથી શરુ થનારા ૧૦ દિવસીય ગણેશ ઉત્સવ દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મુંબઈના રસ્તાઓ પર ૧૭,૬૦૦ થી વધુ પોલીસ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે.
ગણેશોત્સવ દરમિયાન પ્રખ્યાત ગણેશ પંડાલો અને મૂર્તિ વિસર્જન સ્થળોએ લોકોની ભારે ભીડ વચ્ચે માઉન્ટેડ પોલીસની ટીમ, ડ્રોન બોમ્બ ડિટેકશન અને ડિસ્પોઝલ સ્કવોડ (બીડીડીએસ) અને ડોગ સ્કવોડનો પણ તૈનાત કરવામાં આવશે.
આ અંગે પોલીસ કમિશ્નર સત્ય નારાયણે જણાવ્યું હતું કે, અમે ગણેશ ઉત્સવ માટે સુરક્ષા સંબંધિત તમામ પગલાં લીધા છે અને અમે ભીડ નિયંત્રણ માટે પણ સાવચેતી રાખી રહ્યા છીએ. વધુમા ગણેશ ઉત્સવ દરમિયાન શહેરમાં ઓછામાં ઓછા ૧૫ હજાર પોલીસ કોન્સ્ટેબલ, ૨૬૦૦ સબ ઈન્સ્પેક્ટર અને ઈન્સ્પેકટર, ૫૧ આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ અને ૩૬ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ તૈનાત કરવામાં આવશે.
અધિકારીએ જણાવ્યા મુજબ, કિવક રિસ્પોન્સ ટીમ્સ (ક્યુઆરટી), બીડીડીસી અને ડોગ સ્કવોડ સાથે શહેરમાં રાજ્ય રિઝર્વ પોલીસ ફોર્સ (એસઆરપીએફ)ની ૧૨ કંપનીઓ પણ તૈનાત કરવામાં આવશે.
દરમિયાન જરુરિયાત મૂજબ, શહેરમાં માઉન્ટેડ પોલીસનો પણ ઉપયોગ કરવામાં આવશે. તો ભીડ પર નજર રાખવા માટે ૧૧ હજારથી વધુ સીસીટીવી મૂકવામાં આવ્યા છે. જેમાં ડ્રોનનો પણ ઉપયોગ કરવામાં આવશે.
બીજી તરફ લાલબાગના રાજા ગણપતિ મંડળ માટે અલગ પોલીસ તૈનાત કરવામાં આવશે. પોલીસે છેલ્લા બે દિવસમાં તમામ પ્રખ્યાત ગણેશ મંડળો સાથે બેઠક યોજી હતી અને શાંતિપૂર્ણ તથા સલામત ઉજવણી માટે સૂચનાઓ જારી કરવામા આવી છે. તો વિસર્જન દરમિયાન ગિરગાંવ ચોપાટી પર ખાસ સુરક્ષા વ્યવસ્થા સાથે વિસર્જન સ્થળો અને દરિયાકિનારા પર પૂરતા પ્રમાણમાં પોલીસ તૈનાત કરવામાં આવશે.
વધુમાં અનિચ્છનીય ઘટનાઓને રોકાવા માટે વોચટાવર અને પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ જેવા પગલાં ઉપરાંત બીટ માર્શલ અને સાદા વસ્ત્રોમાં પણ કર્મચારીઓને તૈનાત કરવામાં આવશે.