નાળિયેરી પૂર્ણિમાં પૂર્વે 3 દિવસમાં 1600 ટન શ્રીફળનું વેચાણ

તહેવારોને કારણે નાળિયેર મોંઘાં થયાં
કેરણ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશથી પણ નાળિયેરની જંગી આવક
મુંબઇ - પવિત્ર શ્રાવણ માસમાં નાળિયેરી પૂર્ણિમાના તહેવારને લીધે નવી મુંબઇની એ.પી.એમ.સી. (એગ્રીકલ્ચર પ્રોડયુસ માર્કેટ કમિટિ)માં શ્રીફળનું વિક્રમી વેંચાણ થઇ રહ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં ૧૬૦૦ ટન નાળિયેર વેચાયા હોવાનું માર્કેટના સૂત્રોએ જણાવ્યું હતું.
હોલસેલ માર્કેટમાં એક નાળિયેર ૩૦થી ૩૫ રૃપિયામાં અને રિટેલ માર્કેટમાં ૪૦થી ૫૦ રૃપિયામાં વેંચાય છે. આમ તહેવારોને કારણે નાળિયેર મોંઘા થયા છે. ગયા મહિને હોલસેલ માર્કેટમાં ૨૦ રૃપિયાની આસપાસ નાળિયેર વેંચાતા હતા.
નવી મુંબઇ એ.પી.એમ.સી. માર્કેટમાં નાળિયેરની ઢગલાબંધ આવક થવા માંડી છે. કેરળ, કર્ણાટક અને આંધ્ર પ્રદેશથી મોટા પ્રમાણમાં ટ્રકો ભરી ભરીને નાળિયેર આવવા માંડયા છે. નાના અને મધ્યમ કદના નાળિયેર ધાર્મિક વિધિ અને ઘરેલું વપરાશ માટે જ્યારે મોટા નાળિયેર ખાસ કરીને ઉડીપી હોટેલોની વાનગીઓ અને ચટણી બનાવવામાં વપરાય છે. નાળિયેરી પૂર્ણિમાને દિવસે માછીમારો અને કોળી બાંધવો ફરીથી નૌકાઓ દરિયામાં ઉતારે છે. એ વખતે દરિયામાં નાળિયેર અર્પણ કરવામાં આવે છે. ઉપરાંત નાળિયેર હવામાં ઉછાળી માથેથી ફોડવાની તેમ જ હાથમાં પકડી બીજા નાળિયેરને અફળાવી ફોડવાની સ્પર્ધાઓ પણ થાય છે.








