મહારાષ્ટ્રના 150પર્યટકો નેપાળની હોટેલોમાં અટવાયા
'જેન-ઝીના આંદોલનથી પ્રવાસ ખોરવાયો
રાજ્યમાંથી સૌથી વધુ ૬૬ પર્યટકો થાણેનાં, બીડના ૧૧ પર્યટકો ઉત્તરપ્રદેશ પહોંચ્યાં
મુંબઈ - ભારતના પાડોશી રાષ્ટ્ર નેપાળમાં 'જેન ઝી' યુવાનો દ્વારા સરકાર સામે ચાલી રહેલાં હિંસક વિરોધ પ્રદર્શનને લીધે મહારાષ્ટ્રના ૧૫૦ પર્યટકો ત્યાં અટવાઈ ગયા છે. સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલને જણાવ્યાનુસાર, સૌથી વધુ ૬૫ પર્યટકો થાણે જિલ્લાના છે અને તમામ સુરક્ષિત છે.
નેપાળમાં ફસાયેલ રાજ્યના ૧૫૦ પર્યટકોમાંથી ૬૫ થાણે જિલ્લાના, પુણેના પાંચ, મુંબઈના ૬, અકોલાના ૧૦, યવતમાળનો એક, લાતુરના બે અને કોલ્હાપુરના એક પર્યટકનો સમાવેશ છે. બાકીના પર્યટકોના જિલ્લાની હજી જાણ થઈ નથી. રાજ્યના પર્યટકો છ ટૂર ઓપરેટરોના માધ્યમે નેપાળ ફરવા ગયા છે. નેપાળમાં હવાઈ અને માર્ગીય ટ્રાફિક બંધ હોવાને કારણે તમામ પર્યટકો હોટેલમાં જ રોકાયા છે. બીડ જિલ્લાના ૧૧ પર્યટકો સુરક્ષિતપણે ઉત્તરપ્રદેશ પહોંચી ગયા હોવાની પણ માહિતી મળી છે.
કૈલાસ માનસરોવરના ૧૨ તીર્થયાત્રીઓ અત્યારે ચીન પાસે કુરંગમાં ફંસાયેલાં છે. ઈન્ડિયન એમ્બસીએ પર્યટકોને તેઓ જ્યાં છે, ત્યાં જ રહેવાની સલાહ આપી છે તથા સ્થાનીય પ્રશાસનના આદેશનું પાલન કરવા જણાવ્યું છે. નેપાલમાં વિમાન સેવા શુક્રવાર સુધીમાં ફરી શરુ થવાની સંભાવના છે. ત્યારબાદ પર્યટકોને સુરક્ષિત પાછા લાવવા સંભવ બનશે, એવું પણ અધિકારીઓએ જણાવ્યું છે. વળી રાજ્યના પર્યટકોની સંભાવના વધવાની શક્યતા પણ વ્યક્ત કરાઈ છે.
રાજ્યના પર્યટકો કાઠમાંડુ, પોખરા અને પુરંગની હોટેલોમાં રોકાયેલાં છે અને રાજ્ય સરકાર તેમના સંપર્કમાં છે. ઉપમુખ્યમંત્રી અજિત પવારના જણાવ્યાનુસાર, રાજ્ય સરકાર કેન્દ્રીય વિદેશ મંત્રાલય અને મહારાષ્ટ્ર સદનના માધ્યમે નેપાલ સ્થિ ભારતીય દૂતાવાસના સંપર્કમાં છે અને રાજ્યના પર્યટકોને સહાય પહોંચાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે.