Mumbai

જપ્ત ચીજો અંગત વપરાશમાં લેનારા એરપોર્ટના 15 અધિકારીને પાણીચું

By GS TEAM
10 Sep 20252 mins read
જપ્ત ચીજો અંગત વપરાશમાં લેનારા એરપોર્ટના 15 અધિકારીને પાણીચું

બે દાયકાથી કામ કરનારાને ચેતવણી વિના  જ હાંકી કઢાયા

તેલની બોટલો, નાળિયેર, લાઈટર, બેટરી , રમકડાં, કાતર જેવી  ચીજોને અંગત કામે વાપરી  હતી

મુંબઇ -  મુંબઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (એમઆઇએએલ)ના ૧૫થી વધુ અધિકારીઓને એરપોર્ટ પર તપાસ દરમિયાન જપ્ત કરવામાં આવેલી વસ્તુઓ અંગત ઉપયોગમાં લેવાના આરોપસર હાંકી કાઢવામાં આવ્યા હતા.

આ  અધિકારીઓને કથિત રીતે રાજીનામુ આપવા માટે કહેવામાં આવ્યું હતું. કારકણ કે તેઓ સીસીટીવીમાં એરપોર્ટની સુરક્ષા તપાસમાં જપ્ત કરેલી વસ્તુઓ વ્યક્તિગત ઉપયોગમાં લેતા ઝડપાયા હતા. જપ્ત કરાયેલી આ વસ્તુઓમાં તેલની બોટલો, નારિયેળ, છરીઓ, લાઇટર, ઇ- સિગારેટ, બેટરી, રમકડાં અને કાતર જેવી વસ્તુઓનો  સમાવેશ થતો હતો. જે અધિકારીઓને રાજીનામું આપવા કહેવામાં આવ્યું હતું તેમાં એક- બે દાયકાથી કામ કરતા અધિકારીઓનો પણ સમાવેશ થાય છે.

આ સંદર્ભે વધુ વિગતાનુસાર વિમાનની કેબિનમાં મુસાફરોને જે વસ્તુ સાથે લઇ જવા પર પ્રતિબંધ છે તેવી વસ્તુઓ સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (સીઆઇએસએફ) દ્વારા પ્રી- ડિપાર્ચર ચેકિંગ દરમિયાન જપ્ત કરવામાં આવે છે. આ જપ્ત કરાયેલા માલનો સામાન્ય રીતે રેકોર્ડ બનાવવામાં આવે છે અને તેને નિકાલ માટે ચિન્હિત કરવામાં આવે છે અથવા રેસ્ક્યુ ફાઉન્ડેશન જેવા એનજીઓને સોંપવામાં આવે છે.

આ  બાબતે પ્રાપ્ત વિગતાનુસાર એમઆઇએએલની એચઆર ટીમે સીસીટીવી ફૂટેજ બનાવ્યા હોવાનું કહેવાય છે જેમા અધિકારીઓ વ્યક્તિગત ઉપયોગ માટે જપ્ત કરાયેલ વસ્તુઓ એકત્રિત કરતા હોવાનું જોવા મળ્યું હતું. ત્યારબાદ આ અધિકારીઓને રાજીનામું આપવા જણાવ્યું હતું. અથવા તેમને હાંકી કાઢવાનો તખ્તો ઘડાયો હતો. રાજીનામુ આપનારાઓમાં સિનિયર ડયુટી ટર્મિનલ અધિકારીઓ, ડયુટી ટર્મિનલ મેનેજરો, ડેપ્યુટી મેનેજરો અને સિનિયર એક્ઝિક્યુટીવોનો સમાવેશ થાય છે. આમાથી ઘણા તો બે દાયકાથી અહીં કામ કરી રહ્યા હતા.

આ બાબતે એક અધિકારીએ માધ્યમોને જણાવ્યું હતું કે આ વસ્તુઓને પ્રતિબંધિત વસ્તુઓ તરીકે નહી પણ ઉપદ્રવકારક વસ્તુઓ તરીકે જોવામાં આવતી હતી. આ અધિકારીએ જણાવ્યું હતું કે વર્ષોથી કોઇએ ફેંકી દેવાયેલા નારિયેલ કે તેલની બોટલોની ચિંતા કરી નહોતી. તેથી અમે એવું માનવા પ્રેરાયા હતા કે આ વસ્તુઓ વપરાશ માટે લેવી એ કોઇ મોટું ઉલ્લંઘન નથી. જો કે અમને ચેતવણી આપવાને બદલે તાત્કાલિક કામ પરથી કાઢી મૂકવામાં આવ્યા હતા.

અધિકારીઓએ  આ સજા અપ્રમાણસરની હોવાનું જણાવ્યું હતું.  કારણ કે આ પહેલીવારનો ગુનો હતો અને કોઇ ઔપચારિક તપાસ હાથ ધરવામાં આવી ન હતી.